Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

કોંગ્રેસ ચિંતન શિબીરઃ ૬ સમિતિઓએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો: સી.ડબલ્યુ.સી.માં લાગશે મંજૂરીની મહોર

કોંગ્રેસ વર્કિંગ કમિટી 2024ની લોકસભા ચૂંટણી માટે રોડમેપ સહિત અન્ય જાહેરાતો કરશે : બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીનું ભાષણ થશે.

ઉદયપુર: આજે રવિવારે ઉદયપુરમાં કોંગ્રેસની 'નવસંકલ્પ શિવિર'નો છેલ્લો દિવસ છે.  આ શિબિરમાં રાજસ્થાન અને છત્તીસગઢના વિકાસ મોડલની ચર્ચા કરવામાં આવી હતી.  આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ હાજર હતા.  ૬ સમિતિઓએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો.  શિબિરમાં ૨ દિવસની ચર્ચા બાદ પેનલના કન્વીનરોએ સૂચનો સાથેનો અહેવાલ રજૂ કર્યો છે.  તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ પાર્ટી ભવિષ્યની રણનીતિની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા માટે એક નવો ઠરાવ તૈયાર કરી રહી છે.  ચિંતન શિબિરમાં પક્ષના નેતાઓએ સંગઠનને મજબૂત કરવાને બદલે ચૂંટણીમાં જીત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગના સભ્યોનું માનવું છે કે કોંગ્રેસે નવા સહયોગીઓની શોધમાં રાજ્ય સ્તરે ગઠબંધન માટે પ્રયાસો કરવા જોઈએ.

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત કોંગ્રેસ ચિંતન શિબિરનો આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી 2024ની લોકસભા ચૂંટણી માટે રોડમેપ સહિત અન્ય જાહેરાતો કરવા માટે છ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર વિચાર કરશે. ચિંતન શિબિર માટે રચાયેલી તમામ 6 સમિતિઓએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, જેમાં આ સમિતિઓની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ પાર્ટીમાં ફેરફારની જાહેરાત કરવામાં આવશે.

સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીનું ભાષણ થશે. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન તેમને અધ્યક્ષ બનાવવાની માગ જોરશોરથી ઉઠશે. એવી પણ શક્યતા છે કે નેતાઓ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ પદ પર પાછા ફરવાની હિમાયત કરે. તેમજ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાર્ટી અધ્યક્ષ માટે ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ. આ પછી સોનિયા ગાંધીનું ભાષણ અને ત્યારબાદ આભારવિધિ કરવામાં આવશે. ત્રણ દિવસીય ઉદયપુર ચિંતન શિબિર આજે સાંજે જન ગણ સાથે સમાપ્ત થશે.

 

સતત ચૂંટણી પરાજયના કારણે સૌથી કપરા તબક્કામાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ ફરી એકવાર નબળા વર્ગને પોતાની સાથે જોડવા માટે સોશિયલ એન્જિનિયરિંગનો માર્ગ અપનાવવાની તૈયારી કરી રહી છે. તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતી સમુદાયો માટે સંગઠનમાં દરેક સ્તરે 50 ટકા પ્રતિનિધિત્વની ખાતરી કરી શકે છે. પક્ષના ચિંતન શિબિરના બીજા દિવસે, આ વિષય પર સહમત થવાની સાથે, કોંગ્રેસે મહિલા અનામત માટેના ક્વોટાની જોગવાઈ પરના તેના વલણમાં ફેરફાર તરફ આગળ વધ્યું અને ખાનગી ક્ષેત્રમાં અનામતની હિમાયત કરવાનું મન બનાવ્યું.

 

અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં, તેમણે સરકારને વિશ્વ અને દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને આર્થિક નીતિઓ ફરીથી નક્કી કરવા માટે વિચારણા કરવા પણ આહ્વાન કર્યું હતું. ચિંતન શિબિરના બીજા દિવસે કોંગ્રેસે પણ ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવવાનો સંકલ્પ લીધો હતો અને કહ્યું હતું કે હવે દેશમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને કાયદાકીય અધિકાર મળવો જોઈએ અને ખેડૂત કલ્યાણ નિધિની પણ સ્થાપના થવી જોઈએ.

(4:31 pm IST)