Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ચીનમાં 10 લાખ ઉઈઘુર મુસ્લિમો છે ડિટેન્શન સેન્ટરમાં કેદ : પોલીસના લીક થયેલા દસ્તાવેજના આધારે દાવો

ચીનની પોલીસનો એક ડેટાબેઝ લીક થયો છે. એમાં કેદી નંબર, જન્મતારીખ, આઈડી નંબર, સરનામા, ગુનાની વિગતો તેમ જ કેદની વિગતો લખવામાં આવે છે.

ચીનમાં લઘુમતી ઉઈઘુર મુસ્લિમો પર અમાનવીય અત્યારો થઈ રહ્યા છે. વારંવાર આ દાવાને સમર્થન આપતા અહેવાલો પ્રસિદ્ધ થતા રહે છે. ચીનની પોલીસના એક લીક થયેલા દસ્તાવેજના આધારે દાવો થયો છે કે ચીનમાં ૧૦ લાખ ઉઈઘુર મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરના નામે કેદમાં રખાયા છે.

  તુર્કીમાં રહેતી ૩૫ વર્ષની મહિલા અબ્દુર્રશીદનો તેના પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. છેલ્લાં પાંચ વર્ષથી આ મહિલા તુર્કીમાં રહે છે અને તેનો પરિવાર અચાનક ગાયબ થઈ ગયો હતો. તુર્કીમાં આવેલા ચીનના દૂતાવાસમાં તેણે વારંવાર રજૂઆત કરી પછી જાણવા મળ્યું હતું કે તેના ભાઈ અને પેરેન્ટ્સને આતંકવાદના ગુનામાં ૧૫ વર્ષની જેલ થઈ છે અને તેમને શિનજિયાંગ પ્રાંતના ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. ત્યાં તેમના પર અમાનવીય અત્યાચારો કરવામાં આવે છે.

ચીનની પોલીસનો એક ડેટાબેઝ લીક થયો છે. એમાં કેદી નંબર, જન્મતારીખ, આઈડી નંબર, સરનામા, ગુનાની વિગતો તેમ જ કેદની વિગતો લખવામાં આવે છે. એ ડેટા બેઝના આધારે કહેવાયું છે કે ઓછામાં ઓછા ૧૦ લાખ ઉઈઘુર મુસ્લિમોને કેદમાં રાખવામાં આવ્યા છે. આ ઉઈઘુરો સામે આતંકવાદનો ગુનો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ ખરેખર તો દરેક પરિવારમાંથી એક-બે સભ્યોને ભેદી રીતે ઉઠાવીને શિનજિયાંગ પ્રાંતમાં બનેલા ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવાય છે. ત્યાં તેમની પાસે વિવિધ પ્રકારના કામ લેવામાં આવે છે. તેમના પર અત્યાચારો થાય છે. મહિલાઓ ઉપર સામુહિક દુષ્કર્મ થતા હોવાની ફરિયાદો પણ ઉઠે છે.

   જોકે, જે ડેટાબેઝ લીક થયો છે તેની વિશ્વસનીયતા બાબતે સ્પષ્ટતા થઈ નથી, પરંતુ એ લિસ્ટમાં થોડાંક ઉઈઘુરોની ઓળખ ચીનની બહાર રહેતા તેમના પરિવારજનોએ કરી હતી તેના આધારે તારણ રજૂ થયું છે કે ડેટાબેઝ ચીનની પોલીસનો જ હોવાની શક્યતા છે.  

  બ્રિટનની શેફિલ્ડ યુનિવર્સિટીના અહેવાલમાં કહેવાયું હતું કે આ ડેટાબેઝના આધારે એ બાબત સ્પષ્ટ થાય છે કે ઉઈઘુરો સામે આતંકવાદી પ્રવૃત્તિ અંતર્ગત ખોટી રીતે કાર્યવાહી થાય છે. દરેક ઘરમાંથી ભેદી રીતે પરિવારના સભ્યોને ઉઠાવીને ડિટેન્શન સેન્ટરમાં કાળી મજૂરી કરાવાય છે. એ હેતુથી જ તેમને ત્યાં ધકેલી દેવાતા હોવાની પણ પૂરી શક્યતા છે.

(12:57 am IST)