Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

આવતા ૨ મહિનામાં રસીની અછત દૂર થશે

એઇમ્સના ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અન્ય દેશોમાંથી પણ રસી આયાત કરાશે

નવી દિલ્હી તા. ૧૫ : ભારતમાં કોરોનાની બીજી લહેરે રસીની અછતથી સરકારની ચિંતા વધારી દીધી છે. ઉત્પાદન વધારવા માટે રસી ઉત્પાદક સાથે વાટાઘાટો ચાલુ છે. દરમિયાન દિલ્હી સ્થિત એઈમ્સના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે દેશમાં લગભગ બે મહિનામાં રસી મોટી માત્રામાં મળી જશે, કેમ કે રસી કંપનીઓ તેમના મેન્યુફેકચરિંગ પ્લાન્ટ ખોલવાનું શરૂ કરશે અને રસી ઉપલબ્ધ થશે. તેઓએ અન્ય દેશોમાંથી પણ આ રસીની આયાત કરવાની વાતકહી છે.

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, વધુને વધુ મેન્યુફેકચરિંગ પ્લાન્ટ્સ સાથે કોવિશિલ્ડ, કોવાકિસન અને સ્પુટનિક રસી ફકત ભારતમાં બનાવવામાં આવશે. સ્પુટનિકે નિર્માણ માટે ભારતની અનેક કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. ભારત બાયોટેક અને એસઆઈઆઈ દ્વારા નવા પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. જુલાઈ-ઓગસ્ટ સુધીમાં અમારી પાસે મોટા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ હશે.

ભારતના એકસપર્ટ અને ડોકટર્સનું કહેવું છે કે અહીં માસ્ક વિના બહાર નીકળવાનો નિર્ણય હાલમાં લેવાઈ શકે તેમ નથી. એકસપર્ટના આધારે લોકોએ તેને માટે લાંબા સમય સુધી રાહ જોવી પડશે. ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે તે જયાં સુધી ભારતમાં કોરોના સંક્રમણને લઈને વધારે ડેટા મળ્યો નથી. આ માટે સાવધાન રહેવાની જરૂર છે. આ વાયરસ ચાલાક છે અને પોતાનું રૂપ બદલતો રહે છે. નવા વેરિઅન્ટના વિરોધમાં વેકસીન કેટલી અસરકારકસાબિત થશે તેની કોઈ માહિતિ નથી. તમે વેકસીનના ૨ ડોઝ બાદ પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સિવાય સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

(4:10 pm IST)