Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જનતા પર મોંઘવારીનો મારોઃ સામાન્ય પરિવારનું બજેટ ખોરવાયું

ફળ-શાકભાજીથી લઇ તેલ અને દાળ સુધીના ભાવ ભડકે બળે છે

નવી દિલ્હી, તા.૧૫: કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસ પછી હવે તેલ-સાબુના ભાવ વધતા સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઇ ગયુ છે. ગત વર્ષે લોકડાઉન અને મહામારીની મારથી કિચન બજેટ પર આટલી અસર નથી થઈ હતી, પરંતુ આ વર્ષે તેની અસર દેખાઇ રહી છે. શાકભાજી અને ફળોના ભાવમાં અસામાન્ય ઉછાળા પછી હવે ખાદ્ય તેલના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. દાળથી લઇ ઇંડા સુધીના ભાવ વધી ગયા છે.

એક તરફ દેશની મોટી વસ્તી કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલો ખાઇ રહી છે. જયારે બીજી તરફ દવાઓ અને સારવારના ખર્ચે સામાન્ય માણસના કમર ભાંગી નાંખી છે. ઉપરાંત વચ્ચે મોંદ્યવારીના મારાએ સ્થિતિ વધુ કફોડી કરી દીધી છે. રાજધાની દિલ્હીથી લઇ દેશના જુદા-જુદા શહેરોમાં ખાણી-પીણીના ભાવ આસમાને આંબી ગયા છે. સ્થિતિ એ છે કે હવે રિટેલ દુકાનો પર ગ્રાહકોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. જે ખરીદી કરી રહ્યા છે, તે પહેલાની સરખામણીમાં ઓછી ખરીદી કરી રહ્યા છે.

જો દાળની વાત કરીએ, તો ગત ૧૫ દિવસમાં તેમા મોટો વધારો થયો છે. તુવેરની દાળ અંદાજે ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો હતી, તે આજે ૧૫૦ રૂપિયામાં વેચાઈ રહી છે. આ જ રીતે અડદનની દાળની કિંમત ૧૫ દિવસમાં ૧૧૫ થી વધી ૧૭૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી છે. મસૂરની દાળના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે.

આ પ્રકારે ખાવાના તેલના ભાવમાં પણ વધારો થયો છે. ગત ૧૫ દિવસમાં ખાદ્ય તેલના ભાવમાં ૩૯ રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે. સરસવના તેલ ૧૫ દિવસ પહેલા ૧૭૫ રૂપિયા પ્રતિ લિટર હતો, પરંતુ હવે તે વધી ૨૧૪ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. આ પ્રકારે રિફાઇન્ટના ભાવમાં પણ ૨૫ રૂપિયા સુધીનો વધારો થયો છે. ગત એક વર્ષ દરમિયાન પામ તેલનો ભાવ બમણો થયો છે.

નોઇડામાં જે ઇંડાની કેરેટનો ભાવ ૧૬૦ રૂપિયા હતો, તે હવે ૨૪ કલાકમાં વધી ૧૮૦ રૂપિયા પ્રતિ કેરેટ સુધી પહોંચી ચુકયો છે. સાથે જ અંદાજો છે કે આગામી દિવસોમાં ભાવમાં હજુ વધારો થઇ શકે છે.

(4:01 pm IST)