Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

બીજા લગ્ન કરનારી મહિલાને પંચાયતે થૂંકેલું ચાટવાનું કહ્યું

જોકે તે મહિલાએ આદેશનું પાલન કરવાને બદલે પોલીસમાં ફરિયાદ નોંધાવી

મુંબઇ, તા.૧૫: છૂટાછેડા લીધા બાદ બીજાં લગ્ન કરનારી ૩૫ વર્ષની મહિલાને તે જે જ્ઞાતિની છે એની કાસ્ટ પંચાયતે થૂંકેલું ચાટવાનું કહ્યું હોવાની ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના આકોલા જિલ્લામાં બની હતી. પંચાયતે મહિલાને એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો હતો. જોકે મહિલાએ બન્ને આદેશને પડકારીને પંચાયત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાદમાં પંચાયત સામે ફરિયાદ નોંધીને આ મામલાની તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ જળગાવ જિલ્લામાં રહેતી મહિલાની ફરિયાદ બાદ ગુરુવારે જળગાવના ચોપડા સીટી પોલીસ સ્ટેશનમાં કાસ્ટ પંચાયતના ૧૦ સભ્યો સામે વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બનાવ આકોલાના પિંજર પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી બાદમાં કેસ અહીં ટ્રાન્સફર કરાયો હતો.

મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટના આકોલાના વડગાંવ ગામમાં ૯ એપ્રિલે બની હતી, જયાં મહિલાએ બીજાં લગ્ન કર્યાં હોવાની જાણ થયા બાદ આ બાબતે ફેંસલો કરવા માટે કાસ્ટ પંચાયત બોલાવવામાં આવી હતી. તે મહિલા નાથ જોગી જ્ઞાતિની હોવાથી આ જ્ઞાતિમાં બીજાં લગ્ન સ્વીકારવામાં નથી આવતાં. મહિલાએ ૨૦૧૫માં પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ ૨૦૧૯માં બીજાં લગ્ન કર્યાં હતાં. તેનાં પહેલાં લગ્ન ૨૦૧૧માં થયાં હતાં.

પોલીસ અધિકારીએ ઉમેર્યું હતું કે કાસ્ટ પંચાયતમાં સભ્યોએ મહિલાએ કરેલાં બીજાં લગ્ન વિશે ચર્ચા કરાઈ હતી. આ સમયે તે મહિલાની બહેન અને બીજા સંબંધીઓને બોલાવ્યા હતા અને ચુકાદો આપ્યો હતો. આ સમયે મહિલા હાજર નહોતી રહી. ચુકાદામાં એવું કહેવાયું હતું કે પંચાયતના સભ્યો કેળાની છાલ પર થૂંકશે જે સજારૂપે મહિલાએ ચાટવાનું રહેશે. આ સિવાય મહિલાએ એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. પંચાયતના આવા ચુકાદાથી ચોંકી ઊઠેલી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(11:54 am IST)