Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વાવાઝોડુ ''તૌકતે''ની અસરથી ૩૧મીએ કેરળમાં ચોમાસાનું આગમન

આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સામાન્ય રહેશે, ૯૬ થી ૧૦૪ ટકા વરસાદનું હવામાન ખાતાનું અનુમાન : પોરબંદર, અમરેલી, નવલખી બંદર ઉપર ૧ અને ૨ નંબરના સિગ્નલ, દેવભૂમી દ્વારકા જિલ્લામાં હાઈએલર્ટ જારીઃ તંત્ર એલર્ટ : આજથી ૧૯મી સુધી સૌરાષ્ટ્ર- કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ગઈસાંજે રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલોટ જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ તોફાની પવન સાથે વરસાદના વાવડ મળ્યા હતા. 'તૌકતે' વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે જેથી  વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

 દરમિયાન આજે દ્વારકા, ભાવનગરમાં હળવા વરસાદ, ૧૬ તારીખે રવિવારે  જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ પંથકમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમરેલી અને કચ્છ, તાપી, આહવા, દાદરાનગર હવેલીમાં પણ હળવો વરસાદ પડી શકે છે.  ૧૭મીના સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે ૧૮ અને ૧૯ તારીખે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

દરમિયાન ખેડૂતો માટે સારા સમાચાર છે. આગામી ૩૧ મેથી કેરળમાં ચોમાસાનો પ્રારંભ  થઈ શકે છે. 

હવામાન વિભાગનું માનીએ તો ૩૧ મેથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસા(નૈઋત્યના)નો પ્રારંભ થઈ શકે છે. કેન્દ્રીય હવામાન વિભાગે વરસાદની આગાહી કરતાં કહ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ રહેવાનું અનુમાન છે.

વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે.  જેને લઇ રાજ્યના અનેક જિલ્લામાં હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે.  પોરબંદરના બંદર પર ૧ નંબરનું સિગ્નલ લાગવાયું છે. અમરેલીના જાફરાબાદ લાઈટહાઉસ વિસ્તારમાં પણ ૧ નંબર સિગ્નલ લગાવી દેવાયું છે. રાજકોટ-મોરબી નજીક નવલખી બંદર ઉપર ૨ નંબરનું સિગ્નલ લગાવાયું છે.

દેવભુમિ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ અલર્ટ બન્યું છે. સંભવિત વાવાઝોડાના પગલે કલેકટરે અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી ચર્ચા કરી હતી.જેમાં દરિયાકાંઠાના ગામોનો સર્વે કરાયો હતો. સંભવિત વાવાઝોડાને પગલે પાણી, ફૂડપેકેટ અને અન્ય વ્યવસ્થાનું આયોજન કરી દેવા તમામ અધિકારીઓને કલેકટરે સૂચના આપી દીધી છે.

  • કેરળ, કર્ણાટક અને ગોવામાં અતિભારે વરસાદ, પૂર અને જમીન ધસી પડવા અંગે ચેતવણી અપાઇ

ભારતીય હવામાન ખાતાએ ખૂબ તોફાની દરિયાની સ્થિતિ અને અતિ ભારે વરસાદની આગાહી કરી છેઃ જેના કારણે કેરળ અને કર્ણાટક અને ગોવાના સાગરકાંઠાના જિલ્લાઓમાં નવેસરથી પૂરની સ્થિતિ સર્જવા તથા જમીન ધસી પડવાના સંજોગો સર્જાવાની ચેતવણી આપવામાં આવી છે

(11:46 am IST)