Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

નવા વ્યાજ દર ૩૦ જૂને થઇ શકે છે નક્કી નાની બચતના વ્યાજદરોમાં થઇ શકે છે ઘટાડો

બેંકો અને રીઝર્વ બેંક વ્યાજ દર ઘટાડવાની તરફેણમાં

મુંબઇ તા. ૧પઃ બેંકો અને ઉદ્યોગ નિયામકો લોનની કિંમત ઘટાડવા માટે નાની બચતના વ્યાજ દર ઘટાડવાની તરફેણમાં છે. નિષ્ણાંતો પણ માને છે કે તેનાથી આપણે વિકાસ તરફ પાછા વળી શકીશું.

કેર રેટીંગના મુખ્ય અર્થશાસ્ત્રી મદન ફડણવીસે કહ્યું છે કે આવતા મહિને નાની બચતના દરો ઘટવાની શકયતાઓ વધારે કેમ કે હવે હાલમાં કોઇ રાજયમાં ચુંટણી નથી આવવાની કેન્દ્ર સરકાર અત્યારે વિભીન્ન નાની બચત યોજનાઓ પર ૪ થી ૭.૬ ટકા વ્યાજ આપે છે. જેમાં સુકન્યા સમૃધ્ધિ, નેશનલ સેવીંગ સર્ટીફીકેટ, પબ્લીક પ્રોવીડન્ટ ફંડ, મંથલી ઇન્કમ એકાઉન્ટ અને સીનીયર સીટીઝન સેવીંગ્સ સ્કીમ જેવી યોજનાઓ સામેલ છે.

આ વધુ વળતર આપતી અને ગેરંટીવાળી રોકાણ સ્કીમો મધ્યમ અને ઓછી આવકવાળા લોકોમાં બહુ લોકપ્રિય છે. નાણાં મંત્રાલયે ૩૧ માર્ચે પ૦-૧૦૦ બેઝીસ પોઇન્ટ અનુસાર નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો પણ બીજા જ દિવસે તે પાછા ખેંચી લેવાયો હતો કેમકે થોડા સમયમાં જ ૪ રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચુંટણી થવાની હતી. હવે ચુંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે ઉદ્યોગના નિષ્ણાંતો માને છે કે નાણા મંત્રાલય આ વખતે વ્યાજ દરો ઘટાડવાની નિર્ણય લેશે. હવે પછીની રીવ્ય મીટીંગ ૩૦ જુને થવાની છે.

(10:57 am IST)