Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

૨૬ મીએ ખગ્રાસ ચંદ્રગ્રહણ : ભારતના પૂર્વીય વિસ્તારમાં દેખાશે : ગુજરાતને લાભ નહી મળે

પૂર્વ એશિયા, પેસીફીક, ઓસ્ટ્રેલીયા, અમેરીકામાં પૂર્ણરૂપે જોવા મળશે : વિજ્ઞાન જાથા દ્વારા ઠેરઠેર જનજાગૃતિ કાર્યક્રમો

રાજકોટ તા. ૧૫ : વર્ષ ૨૦૨૧ નું પ્રથમ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ આગામી તા. ૨૬ ના બુધવારે જોવા મળશે. જો કે માત્ર ભારતના પૂર્વીય વિસ્તારોમાં દેખાશે. ગુજરાતમાં જોવા નહીં મળે. તેમ ભારત જન વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્યુ છે કે ભૂમંડલે આશરે ૩ કલાક ૮ મીનીટનો આ અલૌકિક અવકાશી નજારો નિહાળવા વિજ્ઞાન પ્રેમીઓમાં ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. અનુરાધા નક્ષત્ર, વૃષિક રાશીમાં થનાર આ ચંદ્રગ્રહણ પૂર્વીય ભારતના આંશિક ગ્રસ્તોદિત દેખાશે. જયારે પૂર્વ એશિયા, પેસીફીક, ઓસ્ટ્રેલીયા અને અમેરીકામાં પૂર્ણરૂપે જોવા મળશે.

ભારતીય સમયાનુસાર ભુમંડલે ગ્રહણ સ્પર્શ ૧૫ કલાક ૧૪ મીનીટે થશે. ગ્રહણ સંમિલન ૧૬ કલાકને ૩૯ મીનીટ. ગ્રહણ મધ્ય ૧૬ કલાકને ૪૮ મીનીટ, ગ્રહણ ઉન્મીલ ૧૬ કલાકને ૫૭ મીનીટ, ગ્રહણ મોક્ષ ૧૮ કલાકને ૨૨ મીનીટ, પરમ ગ્રાસ ૧ કલાકને .૦૧૬ મીનીટ રહેશે.

જાથાની યાદીમાં જણાવાયુ છે કે ગ્રહણ સાથે જયોતિષ, ફળ કથન, જપ તપ, અનુષ્ઠાન, કર્મકાંડને કંઇ લાગતુ વળગતુ નથી. સુતક, બુતક, દાન, પૂણ્ય વગેરે નિરર્થક સાબીત થયા છે. આ માત્ર ખગોળીય ઘટના છે. તેનો નજારો માણી અવલોકનનો આનંદ ઉઠાવવા જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) દ્વારા અનુરોધ કરાયો છે. જો કે જાથા દ્વારા ગ્રહણ સંબંધી જાગૃતિ સંદર્ર્ભે ગામો ગામ અને નગરોમાં કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે.

આ અભિયાનમાં જાથાના ઉમેશ રાવ, નિર્ભય જોષી, અંકલેશ ગોહીલ, પ્રમોદ પંડયા, નાથાભાઇ પીપડીયા, કિશોરગીરી ગોસાઇ, જય મસરાણી, પાર્થ ગોહેલ, ઋચિર કારીયા, ગૌરવ કારીયા, ફાલ્ગુન કાલરીયા, વિનોદ વામજા, જે. વી. વસરેલીયા, ભોજાભાઇ ટોયટા, દિનેશ હુંબલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(10:34 am IST)