Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગુજરાત : લગ્ન કંકોત્રી, કાર્ડનો ૨૦૦ કરોડનો ધંધો જ ઠપ થઇ ગયો

લગ્નમાં ગણતરીના માણસો બોલાવવાના હોવાથી લોકો વોટ્સએપ પર મેસેજ કરી દે છે : બે રૂપિયાથી દઇને ૨૦૦૦ રૂપિયાની કંકોત્રી બનાવતા કારીગરો બેકાર થઇ ગયા

નવી દિલ્હી,તા. ૧૫ : કોવિડ- કોરોનાની બીજી લહેર અતિશય ઘાતક હોવાથી ચૈત્ર મહિનાના લગ્નસરમાં ડીજે, બેન્ડવાજા કે ઢોલના અવાજ સાંભળવા મળ્યા નથી. ખૂબ જ મોટી સંખ્યામાં લગ્ન રદ થયા છે અથવા તો ગણતરીના સ્વજનોની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થઈ છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ સહિત રાજયભરમાં લગ્ન કંકોત્રી રિસેપ્શન કાર્ડ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા એકાદ લાખ લોકો સાવ બેકાર થઈ ગયા છે. બે રૂપિયાથી લઈને ૨૦૦૦ રૂપિયાની કંકોત્રી બનાવતા કરીગરોબેકાર થઈ જતાં તેમની આર્શિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.

અમદાવાદ કાર્ડ મર્ચન્ટ એસોસિએશનના સુનિલ ઠક્કરે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં ચૈત્ર મહિનામાં તો અમદાવાદ સહિત રાજયભરના કંકોત્રી અને કાર્ડના વેપારીઓને વાત કરવાનો  પણ સમય ના હોય તેવી તેજી ચાલતી હોય. ચૈત્ર મહિનાનો લગ્નસરા માટે તમામ વેપારીઓને પૂરતા પ્રમાણમાં સ્ટોક કરી દીધો હોય અને મોટા ઓર્ડર મુજબ કામગીરી ચાલુ થઈ ગઈ હોય. કોરોનાને લીધે ગત વર્ષે લગ્નસરો રદ થઈ ગયો હતો. જેને કારણે આ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ધીરે ધીરે કોરોના ઘટતા લગભગ દિવાળી સુધીમાં બજાર ફરીથી ધમધમતા થઇ ગયા હતા અને લગ્નમાં ભલે ગણતરીના લોકોને બોલાવવાનો આદેશ હતો પરંતુ લોકો લગ્ન કંકોત્રી, રિસેપ્શન માટે ના કાર્યતેમજ અન્ય કોઈ કાર્યક્રમ માટે કાર્ડના ઓર્ડર આપતા થયા હતા. માત્ર ગુજરાતમાં જ ૨૦૦ કરોડનો ટર્નઓવર કરતા કાર્ડ અને કંકોત્રીના વ્યવસાયને જાણે કે ગ્રહણ લાગ્યું હોય તેમ ચાલુ વર્ષે લગ્નસરો શરૂ થાય તે પહેલાં જ કોરાની ઘાતક લહેર શરૂ થઈ ગઈ અને મોટી સંખ્યામાં લોકો સંકિમત થવા લાગ્યા. જેને પગલે ફરી એક વખત લગ્નમાં ગણતરીના માણસોની મંજૂરી આપવામાં આવી રહી છે. હવે નજીકના માણસોને બોલાવવાના હોવાથી કંકોત્રી છપાવવાનું લગભગ બંધ થઈ ગયું છે. લોકો વોટ્સએપ પર મેસેજ કરીને સ્વજનોને આમંત્રણ આપી દેતા હોય છે. જેને કારણે બે રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા સુધીની કંકોત્રી બનાવતા કારીગરો બેકાર બની ગયા છે. લગભગ એકાદ લાખ લોકોને રોજીરોટી આપતા વ્યવસાયને ગ્રહણ લાગી જતા તમામની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. કોરોના કાબુમાં આવતા લગ્નમાં થોડા વધારે લોકોને બોલાવવાની મંજૂરી આપવામાં આવે તો લોકો ફરીથી લગ્ન કંકોત્રી અને રિસેપ્શનના કાર્ડ છપાવતા થાય અને બજારે ખુલે તો નવી દુકાનો અને નવા કોઈ ધંધા માટેના ઈન્વીટેશન કાર્ડના ઓર્ડર મળે તેમ તેમણે ઉમેર્યું હતું.

(10:30 am IST)