Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આજે સાંજે ૪ વાગે નાણામંત્રીની પ્રેસ કોન્ફરન્સ આજે એવિએશન, પર્યટન અને હોટલ ઈન્ડસ્ટ્રીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે

નવી દિલ્હી, તા.૧૫: આર્થિક પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ત્રીજીવાર પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે ૪ વાગે નાણામંત્રી આર્થિક પેકેજના ત્રીજા ઈન્સ્ટોલમેન્ટ અંગે જાણકારી આપશે. જાણકારોનું માનીએ તો આજે એવિએશન, પર્યટન અને હોટલ ઈન્ડસ્ટ્રીને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. આ અગાઉ ગુરવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના સંકટમાં ૨૦ લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજના બીજા ઈન્સ્ટોલમેન્ટની જાહેરાત કરી. આ પેકેજમાં ખેડૂતો, પ્રવાસી મજૂરો, રેકડીવાળા, નાના વેપારીઓ, મીડલ કલાસ માટે જાહેરાતો કરી હતી.

નાણામંત્રીએ પ્રવાસી મજૂરો માટે ૩૫૦૦ કરોડની મદદની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આગામી ૨ મહિના સુધી દરેક મજૂરોને ૫ કિલો દ્યઉ કે ચોખા મળશે. રાશનકાર્ડ વગરના લોકોને પણ રાશન મળશે. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે હવે દેશમાં રેકડી કે ઠેલા ચલાવનારાઓ ૧૦૦૦૦ રૂપિયાની લોન લઈ શકશે. જેનો ફાયદો દેશના ૫૦ લાખ સ્ટ્રીટ વેન્ડર્સને થશે.  મિડલ ઈનકમ ગ્રુપ, જેમની વાર્ષિક આવક ૬ લાખથી ૧૮ લાખ રૂપિયા વચ્ચે છે તેમના માટે અફોર્ડેબલ હાઉસિંગ માટે ક્રેડિટ લિંક સબ્સિડી સ્કિમનો ફાયદો માર્ચ ૨૦૨૧ સુધી વધારવામાં આવ્યો છે. અગાઉ આ યોજના માર્ચ ૨૦૨૦માં પૂરી થઈ રહી હતી.  નિર્મલા સીતારમણે કહ્યું કે નાબાર્ડ ખેડૂતો માટે ૩૦ હજાર કરોડ રૂપિયાના વધારાના ઈમરજન્સી ફંડને ફાઈનાન્સ કરશે. આ રકમ ખેડૂતોને તરત લોન તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ૨ લાખ રૂપિયાની સસ્તી લોન દેશના અઢી કરોડ ખેડૂતોને આપવામાં આવશે. જે ખેડૂતોની પાસે અત્યાર સુધી કિસાન ક્રેડીટ કાર્ડ નથી તેઓ પણ કાર્ડ બનાવીને તેનો ફાયદો લઈ શકશે.

(3:49 pm IST)