Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કોરોના વાયરસ

અમેરિકાએ ચીન સામે ધોકો પછાડવાનું શરૂ કર્યું નિવેશ પરત ખેંચવાનું શરૂ : પેન્શન ફંડ રદ કરવા ફેંસલો

વોશિંગ્ટન તા. ૧૫ : કોરોના વાયરસના સંક્રમણથી ઝઝૂમી રહેલા અમેરિકામાં ચીનની વિરૂદ્ઘ જબરદસ્ત ગુસ્સો છે. કેટલાંય અમેરિકન નેતા ચીનની ઉપર સંક્રમણ સંબંધિત ડેટાને છુપાવા અને તપાસમાં સહયોગ ના કરવાનો ખુલ્લેઆમ આરોપ પણ લગાવી ચૂકયા છે. આ બધાની વચ્ચે અમેરિકાના ટોચના એક સાંસદે ચીનની સરકારને કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીનું કારણ બનનાર તેના જુઠ્ઠાણા, છલ-કપટ અને વાતોને ગુપ્ત રાખવાની કોશિષો માટે જવાબદાર ગણાવાને લઇ ૧૮ સૂત્રી યોજના સામે રાખી છે. ભારતની સાથે સૈન્ય સંબંધ વધારવો આ યોજનાનો એક હિસ્સો છે.

સેનેટ થોમ ટિલિસે ચીની વહીવટીતંત્રની આલોચના કરતાં કહ્યું કે ત્યાંની કોમ્યુનિસ્ટ સરકારે દુર્ભાવનાપૂર્વક કોરોના વાયરસને ફેલાવ્યો છે તેના લીધે લાખો અમેરિકન પીડિત છે. આ એવો દેશ છે જે પોતાના જ દેશના લોકોને ડિટેંશન કેમ્પોમાં કેદ કરી રહ્યું છે અને આપણા સહયોગીઓને સંપ્રભુતાની ધમકી આપી રહ્યું છે.

સેનેટરે કહ્યું કે અમેરિકા માટે આ જાગવાનો સમય છે. મારી આ યોજના ચીની સરકારને કોરોના વાયરસ અંગે જુઠ્ઠાણું બોલવા માટે જવાબદાર બનાવશે. તેના દ્વારા અમેરિકન લોકોના સ્વાસ્થ્યની રક્ષા અને અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે ચીન પર પ્રતિબંધ પણ મૂકાશે.

આ યોજના અંતર્ગત પેસિફિક ડિટરન્સ ઇનિશિયેટિવ નામના એક કાર્યક્રમને શરૂ કરવાની માંગણી કરાઇ છે જેમાં ૨૦ અબજ ડોલરના સૈન્ય ઉપકરણોનું ફંડિંગ પણ અમેરિકા દ્વારા પૂરું પાડવામાં આવશે. આ પહેલ થકી પ્રાદેશિક સહયોગી દેશોની સાથે સૈન્ય સંબંધોને મજબૂત કરાશે.

આ ઉપરાંત સેનેટરે ભારત, તાઇવાન અને વિયેતનામને અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ સૈન્ય ઉપકરણોના વેચાણની મંજૂરી આપવાની પણ માંગ કરી છે. તેમણે જાપાન અને દક્ષિણ કોરિયાના સૈન્યના પુનઃગઠન અને ઘાતક મિલિટ્રી સાધનો માટે મદદ કરવાની અપીલ પણ કરી.

તેમણે પોતાની યોજનામાં એમ પણ કહ્યું છે કે ચીનમાં હાજર તમામ અમેરિકન મેન્યુફેકચરિંગ કંપનીઓને પોતાના દેશમાં પાછી લાવવામાં આવે. તો ચીનની ઉપર સામાન માટે નિર્ભરતાને ખત્મ પણ કરાય. તેમણે કહ્યું કે આપણે ચીનને આપણી ટેકનોલોજી ચોરી કરતા પણ રોકવું પડશે અને અમેરિકન કંપનીઓને આપણી ટેકનોલોજીનો લાભ પ્રાપ્ત કરવા માટે આગળ ધપાવવા પડશે.

સેનેટ અમેરિકન રાષ્ટ્રપતિને અપીલ કરતાં કહ્યું કે તેમણે પોતાના સાથી દેશોને પણ આવા જ પ્રતિબંધો લાદવાનું કહેવું જોઈએ. જેથી કરીને ચીનને તેના કર્યાની સજા મળી શકે. આપણે સાથે મળીને ચાઇનીઝ હેકર્સને પણ રોકવા અને આપણી સાયબર સુરક્ષાને મજબૂત કરીએ.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુષ્ટિ કરી કે તેમના વહીવટી તંત્રે ચીનને અમેરિકન પેન્શન ફંડનું રોકાણ નીકાળવાનું કહ્યું છે અને આ પ્રકારના અન્ય પગલાં ભરવા પર વિચાર કરી રહ્યા છે. ચીન પર બૌદ્ઘિક સંપદા અને અનુસંધાન કાર્યથી સંબંધિત માહિતી ચોરી કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અબજો ડોલર, અબજો હા, મેં તે પાછા લઇ લીધા.

(3:41 pm IST)