Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

નિયમીત કસરતનું રૂટીન છુટી ગયુ છે? પાછા ફરવું છે ?... તો અપનાવો આ પાંચ રીત

કામનું ભારણ, પારીવારીક જવાબદારીઓ અને સામાજીક કાર્યોના બોજ વચ્ચે જો તમે કાંઇ છોડો છો તો એક માત્ર કસરત.

કદાચ આ અઠવાડીયાની શરૂઆત એક વ્યસ્ત સપ્તાહથી થઇ હતી. પછી એક અઠવાડીયુ, બે અઠવાડીયું અને પછી ત્રણ-ચાર અઠવાડીયા વ્યસ્ત બની જાય છે. એટલે કે કસરત વગરનું જીવન બની જાય છે. તમે પહેલા દરરોજ મેદાનમાં કે જીમમાં કસરત કરવા જતા હતા હવે આ રૂટીન ઘણું દુર છુટી ગયું છે. તમે મહીનાઓથી કસરત કરતા નથી. તમારી જાતને 'વર્કઆઉટ'ના રૂટીનમાંથી બહાર કાઢવા અને પછી ફરી 'વર્ક આઉટ'ના રૂટીનમાં લાવવા પણ રીત હોય છે.

આ માટે આરોગ્ય અને સુખાકારીના નિષ્ણાંતો જુદી-જુદી પાંચ રીતો સુચવે છે.  જેને અનુસરવાથી તમે ફરી પાછા દૈનિક કસરતના ટ્રેક ઉપર ચડી જશો.

કસરત કરવા પાછળની તમારી પ્રેરણા શોધો અને ડોકટર સાથે વાત કરો

તંદુરસ્ત તમારે તમારી જાતે જ બનવું પડે. રીમેડી સોશ્યલ વેલનેસ કલબના સ્થાપક જોનાથન લેરીનું કહેવું છે કે, કસરત અને જીમમાં પાછા ફરવા માટે, સ્વસ્થ થવા માટે, પ્રેરણા મેળવવી જરૂરી હોય છે. લેરી કહે છે કે, કપડા પહેરી સુંદર દેખાવા કે વજન ઘટાડવાની બાહ્ય પ્રેરણા ઉપર વજન દેવુ જોઇએ નહી. અમેરીકી નિષ્ણાંતો કહે છે કે ઘણીવાર લોકો વજન ઘટાડવાના એક માત્ર આશયથી કસરત કરવાનું શરૂ કરે છે તો કેટલાક કોઇ બિમારીના ભયથી વર્ક આઉટ કરવાનું શરૂ કરે છે. આવુ મગજમાં ઠસાવવા કરતા તમારે એ જાણી લેવું જરૂરી છે કે તમે શા માટે સ્વસ્થ થવા માંગો છો? જો આ વિચારી લીધું હોય તો તમારૂ પહેલુ પગલું  જીમમાં નહિ પરંતુ ડોકટર કે તજજ્ઞના કલીનીકમાં હોવું જોઇએ.

અમેરીકન ફીજીકલ થેરાપી એસોસીએશનના થેરાપીસ્ટ કેરેન લીત્ઝીના જણાવ્યા મુજબ તમારા ડોકટર કસરત કરવા માટે યોગ્ય શકિત, હ્ય્દયની તંદુરસ્તી અને શરીરની લવચીકતા ધરાવો છો કે નહિ? તેની ચકાસણી કરશે. શારીરીક પ્રવૃતિ માટે તમે  તંદુરસ્ત છો કે નહિ? તમે જીમ માટે સુરક્ષીત છો કે નહિ? તે અંગે માર્ગદર્શન આપશે. શરીરને મજબુત બનાવવા આગળ વધો તે પહેલા તેનું શારીરીક મુલ્યાંકન કરવું જરૂરી હોય છે.

કસરતના નિત્યક્રમમાં પાછા ફરતા પહેલા સમય લ્યો

વિશ્વના મોટા ભાગના કિશોરોને પુરતી શારીરીક પ્રવૃતી મળતી નથી. એક અઠવાડીયાની સંપુર્ણ નિષ્ક્રીયતા તમારા શારીરીક દેખાવને પણ નુકશાન કરશે. જર્નલ ઓફ રીહેબિલિટેશન મેડિસિન ર૦૧પમાં પ્રકાશીત થયેલા અભ્યાસ મુજબ માત્ર બે અઠવાડીયા સુધી શારીરીક પ્રવૃતિ કે કસરત છોડી દેવાથી સ્નાયુની શકિત અને બંધારણમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે અને તેને ફરી મેળવવા વધુ સમય લાગી શકે છે.

બીજા શબ્દોમાં કહીએ તો એક-બે મહિના પહેલા તમારા નિત્યક્રમમાં ખંત પુર્વક કામ કરતા હોવ તો તેમાં પાછા ફરવાનું છે તેવું ન વિચારો. તમે હજુ પણ તે નિત્યક્રમમાં જ છો તેવુ વિચારી એક ડગલું આગળ વધો. જીમમાં પ્રવેશતી વખતે કે કસરત માટે મેદાનમાં જતી વખતે યાદ રાખો કે શરીરને ઠીક કરવું છે તેને તોડવું નથી. દરેક પ્રકારના વર્ક આઉટનું ખરેખર વિશ્લેષણ કરો. કારણ કે તેમાં ઇજા થવાનું જોખમ પણ રહેલું હોય છે. નિષ્ણાંતો મુજબ દિવસમાં માત્ર થોડી મીનીટોથી શરૂ કરી લાંબા વર્ક આઉટ સુધી પહોંચવું જોઇએ.  ત્યાર પછી જ વેઇટ એકસરસાઇઝ માટે તમારા હેલ્થ કોચ કે પર્સનલ ટ્રેઇનરને હાયર  કરો-સેવા લ્યો. આરોગ્ય અને સ્વાસ્થ્ય સેવા  વિભાગ મુજબ એક સ્વસ્થ પુખ્ત વ્યકિતએ અઠવાડીયામાં દોઢસો મીનીટ કસરત કરવી જોઇએ.

બધુ એક સાથે બદલો નહી

જયારે તમે ફીટનેસ રૂટીનમાં પાછા ફરતા હો ત્યારે તમારે ખાવાની ટેવોમાં ફેરફાર કરવો પડશે તેવો વિચાર આવે. બ્રાયન કહે છે કે ઘણીવાર લોકો એક સાથે ઘણા ફેરફારો કરવાનું નક્કી કરે છે. આમ કરવાના બદલે એક વખત એક વાત ઉપર જ ધ્યાન આપો. એટલે કે ફરી પાછા પ્રવૃત થવાની આદત ઉપર ધ્યાન કેન્દ્રીત કરો. દરરોજ મેં આટલા કલાક કસરત કરી, આટલા માઇલ કે કિલોમીટર દોડયો, આટલા પુસઅપ્સ કર્યા તેવા ખોટા પ્રમાણ આધારીત  મીટરવાળા વર્કઆઉટ ન કરો. આરોગ્ય નિષ્ણાંતો તમારા પોષણની પેટર્નને ધીમે ધીમે બદલવા સુચન કરે છે. જેથી તમે વધુ ભાર ન અનુભવો અને હતાશામાંથી બહાર આવી જાવ. કસરતની સાથે  તમારા આહારમાં ફેરફાર કરવાના બદલે પ્રથમ પગલે વધુ પાણી પીવાનું શરૂ કરી દયો. જેથી તમારૂ શરીર ડીહાઇડ્રેડ ન થાય. તમે વધુ સક્રિય બનો ત્યારે તમારા શરીરમાં પાણીનું સ્તર ભરવાથી શરીરને મુખ્ય ખનીજોની કમી નહિ થાય અને શરીર ઝડપથી કસરત માટે તૈયાર થઇ જશે.

વર્ક આઉટ માટે સંપુર્ણ અભિગમ અપનાવો

અમુક કિલોમીટર દોડયા, અમુક કિલોમીટર ચાલ્યા જેવું લોગ કરવાના બદલે તમારા વર્કઆઉટ વિષે સંપુર્ણ વિચારવું ખુબ જરૂરી છે. એટલે કે કસરત શરૂ કરતા પહેલા  વોર્મઅપ એકસરસાઇઝ (શરીર ગરમ કરતી  હળવી કસરત), કુલ ડાઉન, સ્ટ્રેચીંગ અને રીકવરીનો સમાવેશ થાય છે.

જયાં સુધી તમે  વ્યવસાય ટ્રેનર કે રમતવીર  ન હોવ તો મજબુત અને શકિતશાળી બનવા ગતીશીલતા અને અનુકુળતા પર તમારૂ ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ. રીકવરીની દિનચર્યા ખુબ જ જરૂરી છે. કસરત કર્યા પછી દરરોજ સ્ટ્રેચીંગ અને જરૂરી કુલડાઉન ટાઇમનો સમાવેશ તમારા વર્ક આઉટમાં થવો જોઇએ. તમારા શરીરના દરેક ભાગ  કામ કરે છે તે સુનિશ્ચિત કરવા માટે નિયમીત મસાજ અથવા શારીરીક ચિકિત્સકની મુલાકાત લઇ શકાય. આમ કરવાની તમારા સ્નાયુને થતી ઇન્ટરનલ ઇજા ઘટી શકશે. તમારે વર્ક આઉટ રૂટીનમાંથી અઠવાડીયાની રજા લેવાની જરૂર નહિ પડે.

કસરતનો અર્થ શું? તે ફરી સમજો

તમારે જીમમાં કે સારા વર્ક આઉટ માટે બહાર દોડવામાં કલાકો ગાળવા પડે તે જરૂરી નથી. આ બધુ તમે તમારા ઘરની અનુકુળતામાં કરી શકો છો. ધારો કે તમારૂ  ડેઇલી ટાઇમ ટેબલ પેક થઇ ગયું છે, તમારી પાસે પારીવારીક જવાબદારીઓ છે, આ વચ્ચે માત્ર પ-૧૦-૧પ મીનીટનો સમય કાઢી શકો છો. તો ઝડપથી આ સમયનો સદઉપયોગ કરી ઘેર જ કસરત કરી લો.

વર્ક આઉટની વાત આવે ત્યારે રમત ગમતના મેદાન કે જીમમાં જ જવુ પડે તેવું જરૂરી નથી. તમે તમારા ઘર, કે ઓફીસમાં જતી આવતી વખતે લીફટનો ઉપયોગ ટાળી દાદરા ચડ-ઉતર કરવાનું શરૂ કરી દયો આ પણ કસરતનો એક ભાગ જ છે.

ઓફીસમાં ટેબલ-ખુરશી પર કામ કરતી વખતે વચ્ચે વચ્ચે ઉભા થઇ લોબીમાં લટાર મારી લો, સાથી કર્મચારીઓને ઇ-મેઇલથી સમાચાર મોકલવાને બદલે પાંચ મીનીટનો બ્રેક લઇ તેમના ટેેબલ સુધી જરૂરી જઇ આવો. પારીવારીક જીવનમાં પણ ટીવી શોની જાહેરાત દરમિયાન ઉભા થઇને ઘરમાં અહીથી તહી  ચાલી લ્યો. બાળકો સાથે ફુટબોલ રમી લ્યો, સમય મળ્યે જમ્યા બાદ ફેમીલી વોક કરી લ્યો... તમારા નવા મિશન 'વર્ક આઉટ' માટે શુભેચ્છા!!

(3:03 pm IST)