Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સલામ... પતિ પંજાબથી પરત ફરતા કોરોના ટેસ્ટ ન કરાવતા પત્નિ એ જ ફરિયાદ કરી પકડાવી દીધો

હરિયાણાના હિસારના પટેલ નગરની રહેવાસી યુવતિએ સામાજીક જવાબદારી સુપેરે નિભાવી

હિસારઃ પંજાબથી હરિયાણાના હિસાર પરત ફરેલ યુવકે કોરોના ટેસ્ટ ન કરાવતા તેની પત્નિએ જ લોકડાઉનના ઉલ્લંઘન બદલ પોલીસને માહિતી આપી પકડાવી દીધાની ઘટના સામે આવી છે. હિસાર પોલીસે  જણાવેલ કે પટેલનગર નિવાસી સંદીપ પંજાબના તલવંડી સાબોથી પરત ફરેલ. પંજાબમાં કોરોનાનો ફેલાવો વધુ હોવાથી પત્નિ ઉર્મીલાએ તેને સિવીલ હોસ્પિટલમાં જઈ કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું હતુ. જેથી પતિ સંદીપે ઉર્મીલા સાથે મારપીટ કરી જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

જો કે ઉર્મિલાએ ડર્યા વિના આ અંગેની જાણ પોલીસને કરી હતી. સંદીપની લોકડાઉન તોડવાના, મારપીટ કરવાના અને જીવથી મારી નાખવાની ધમકી દેવા બદલ ધરપકડ કરી હતી. ઉર્મિલાએ ફરીયાદમાં જણાવેલ કે પતિ સંદીપ પંજાબથી આવ્યા બાદ ઘરમાં જબરદસ્તી ઘુસવાનો પ્રયત્ન કરતો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી પતિ સંદીપનો કોરોના ટેસ્ટ કરવાની પણ કાર્યવાહી કરી રહી છે.

(2:57 pm IST)