Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રાહત પેકેજથી ગરીબો અને ખેડૂતોની ગાડી પાટે ચડશે

સસ્તી લોનથી રેંકડી-ગલ્લા વાળાને ધંધો ફરીથી ચાલુ કરવામાં સરળતા

નવી દિલ્હી,તા.૧૫ : પ્રવાસી મજૂરો, ખેડૂતો, રેંકડી વાળા અને નાના ગલ્લાવાળા ધંધાર્થીઓ માટે સરકાર દ્વારા ગઇકાલે જાહેર કરાયેલ રાહત પેકેજનું સ્વાગત કરતા ઇન્ડ્રસ્ટ્રી ચેમ્બર્સે કહ્યુ કે અત્યારે મજૂરો અને નાના વેપારીઓના હાથમાં પૈસા દેવાની જરૂર છે. સરકારે તે તરફ પગલા લીધા છે. આશા છે કે સરકારે જે જોગવાઇઓ કરી છે. તેનાથી તેમનું જીવન પાટા પર આવશે એટલું જ નહી, તેમને પોતાનો ધંધો ફરીથી શરૂ કરવામાં મુશ્કેલી નહીં પડે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડીયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ)નું માનવું છે કે સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે ૩૦ હજાર કરોડ રૂપિયાની જે જાગવાઇ કરી છે તેનો ફાયદો તાત્કાલીક જોવા મળશે. ખેડૂતો પાસે અત્યારે નાણાની અછત છે. આ ઉપરાંત રેકડી અને નાના ગલ્લામાં સમાન વેંચનારાઓ માટે સસ્તી લોન આપવાની જે જોગવાઇ કરાઇ છે. તેનાથી તે લોકોને ફરીથી ઉભા થવામાં સરળતા રહેશે.

લોકડાઉન ખુલ્યા પછી આ લોકોના હાથમાં રોકડ આવશે તો તેમને પોતાનો ધંધો ફરીથી શરૂ કરવામાં મુશ્કેલીઓ નહીં પડે.  પી એચ ડી સી એચના પ્રમુખ ડોકટર ડી.કે. અગ્રાવતનું કહેવું છે કે અત્યારે ખેડૂતોને નાણાકીય મદદ આપવાની જરૂર હતી. તેમણે ખરીફ પાકો તૈયાર કરવાના હતા. જો તેમના હાથમાં પૈસા નહીં આવે તો તેઓ ખેતી કેવી રીતે કરશે. સરકારના આ રાહત પેકેજ થી ઘણા પ્રકારના ફાયદાઓ થશે ખેડૂતના હાથમાં પૈસા આવશે. તો તેમને ખેતી કરવામાં સરળતા થશે. ખેત પેદાશો વધવાથી ખાદ્ય પદાર્થોની મોંઘવારીમાં વધારો નહીં થાય અને તે નિયંત્રણમાં રહેશે. તેનાથી સામાન્ય માણસની સાથે દેશના જીડીપીને પણ ફાયદો થશે. માંગ વધશે, ખરીદી વધશે એટલે વપરાશ પણ વધશે. આમ થવાથી જીડીપીને આગળ વધવામાં સરળતા રહેશે.

(1:08 pm IST)