Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રિમ કોર્ટે આપી રાહતઃ : હાઇકોર્ટના ચૂકાદા પર સુપ્રીમનો સ્‍ટે

ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો મામલોઃ હાલ ધારાસભ્‍ય પદ અને મંત્રી પદ યથાવતઃ વધુ સુનાવણી આગામી દિવસોમાં : સત્‍યમેવ જયતે કહી ચૂકાદાને વધાવતા શિક્ષણમંત્રી ચુડાસમાઃ હાઇકોર્ટના ચૂકાદા પૂર્વેની સ્‍થિતિ પૂર્વવત

રાજકોટ, તા. ૧પ :  રાજયના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા ર૦૧૭માં જયાથી લડેલા તે અમદાવાદ જિલ્લાની ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનાં હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટે હાલ સ્‍ટે આપ્‍યો છે. સુપ્રિમે ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને નોટીસ પાઠવી છે જે અંગે આગામી દિવસોમાં સુનાવણી થશે. હાલ ભૂપેન્‍દ્રસિંહને રાહત મળી છે.

ધોળકામાં વિધાનસભાની ચુંટણીમાં પોસ્‍ટર મત ગણતરીમાંથી બાકાત રાખવાના ચૂંટણી અધિકારીના વલણ સામે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં અરજી કરેલ. હાઇકોર્ટે ચૂંટણી પ્રક્રિયાને દુષિત માની ૧૪ મુદ્દાના અવલોકન સાથે સમગ્ર ચૂંટણી રદ કરવાનો ચુકાદો આપેલ તેની સામે ભૂપેન્‍દ્રસિંહ ર દિવસ પહેલા સુપ્રિમમાં અપીલ કરેલ. તેમના વતી જાણીતા એડવોકેટ હરિશ સાલ્‍વેએ દલીલ કરેલ. પ્રાથમિક સુનાવણી બાદ સુપ્રિમના જજ શાંતનગોદાર અને આર. સુભાષ રેડ્ડીએ હાઇકોર્ટના ચુકાદા સામે હાલ સ્‍ટે આપી આગામી દિવસોમાં કેસની સુનાવણી કરવાનો નિર્દેશ કર્યો છે.

હાઇકોર્ટનાં ચુકાદા બાદ ભૂપેન્‍દ્રસિંહ મંત્રી પદે યથાવત રહેલ પરંતુ તેમનું ધારાસભ્‍ય પદ જતુ રહેલ. આજે સુપ્રિમના સ્‍ટે બાદ હાઇકોર્ટના ચુકાદા પૂર્વની સ્‍થિતિ પુનઃ સ્‍થાપિત થઇ ગયાનું કાયદાના જાણકારો અર્થઘટન કરી રહ્યા છે. સ્‍ટેના સમયગાળા દરમિયાન ભૂપેન્‍દ્રસિંહ પહેલાની જેમ જ ધારાસભ્‍ય અને મંત્રી તરીકે ફરજ બજાવી શકશે.

ભૂપેન્‍દ્રસિંહે આ ચુકાદાને સત્‍યમેવ જયતેના ટવીટ સાથે આવકારેલ છે. ભાજપના પ્રદેશ પ્રવકતા સુપ્રિમના સ્‍ટેને સરકાર માટે અને ભાજપ માટે રાહતના સમાચાર ગણાવે છે.

(3:33 pm IST)