Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મુંબઈ, પુણે સહિતના શહેરોમાં લોકડાઉન 31 મે સુધી લંબાવવા નિર્ણય

રાજયના બાકીના ભાગોમાં ઉદ્યોગોને કામકાજ શરૂ કરવા મંજુરી અપાશે

મુંબઈ:મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોપોલીટન રિજન, પૂણે અને સોલાપુર, ઔરંગાબાદ અને મોલેગાંવ જેવા કોરોનાના હોટસ્પોટમાં લોકડાઉન 31 મે સુધી ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. રાજયના અન્ય વિસ્તારોમાં કેન્દ્ર આગામી બે દિવસમાં ગાઈડલાઈન્સ જારી કરશે તેનો અમલ કરાશે.

 દરમિયાન, બીએમસી હેઠળના વિસ્તારોમાં ગઈકાલે કોરોનાનો ધરખમ 988 નવા કેસો નોંધાયા હતા એ પછી થાણેમાં 70, નવી મુંબઈમાં 64, મીરા-ભાયંદરમાં 21 અને કલ્યાણ-ડોમ્બીવલીમાં 6 કેસો નોંધાયા હતા. મુંબઈમાં ગઈકાલે 46 મોત થયા હતા.
 નવા મ્યુનીસીપલ કમિશ્નર આર.એસ.ચહલે જણાવ્યું હતું કે હું મુંબઈમાં 18 મે પછી પણ લોકડાઉન ચાલુ રહે તેવું ઈચ્છું છું, અન્યથા બીએમસીના પ્રયાસો વ્યર્થ જશે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, મહેસુલ પ્રધાન બાલાસાહેબ થોરાટ, શહેરી વિકાસ પ્રધાન એકનાથ સિંહે, પીડબલ્યુડી પ્રધાન અશોક ચવાણ અને મુખ્ય સચિવ અજય મહેતાની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
 જો કે રાજય સરકાર રાજયના બાકીના ભાગોમાં ઉદ્યોગોને કામકાજ શરૂ કરવા મંજુરી આપવા આતુર છે, અને શ્રમિકોના પરિવહન માટે છૂટ આપવામાં આવી છે. રાજય સરકાર કચેરીઓમાં 33% હાજરી સાથે કામકાજ શરૂ કરવા આયોજન કરી રહી હતી, પણ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા જાહેર કરે એ પછી નિર્ણય કરાશે. રાજય સરકારે આવશ્યક સેવાઓ આપતા સ્ટાફ માટે પહોંચી ટ્રેન શરૂ કરવા માંગ કરી હતી, પણ કેન્દ્ર સરકાર તેના વલણને વળગી રહી છે

(11:49 am IST)