Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબુ

મુંબઇ સહિત હોટસ્પોટ વિસ્તારોમાં ૩૧મે સુધી લોકડાઉન લંબાવાયું

મુંબઈ,તા.૧૫: મહારાષ્ટ્રમાં સતત વધતા કેસ વચ્ચે લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં મુંબઈ સહિત હોટસ્પોટ વિસ્તારમાં ૩૧ મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન લંબાવવામાં આવ્યું છે તેમાં મુંબઈ મેટ્રોપોલિટન રીજન, પુણે, સોલાપુર, ઓરંગાબાદ અને માલેગાવનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૦૦૦ના પાર થઈ ગઈ છે.

 

મહત્વનું છે કે, આ પહેલા રાજયના મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ સ્થાનો પરથી પ્રતિબંધ હટાવવા અંગે ચર્ચા થઈ હતી. મુંબઈ સહિતના જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે તે વિસ્તારોમાં સતત વધતા આંકડાને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશમાં ચાલી રહેલા ત્રીજા લોકડાનનો ૧૭મે અંતિમ દિવસ છે આ પછી જાહેર કરવામાં આવશે તે લોકડાઉનમાં કેટલાક ફેરફાર સાથે છૂટછાટમાં વધારો કરવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં સતત ૯ દિવસથી ૧૦૦૦ કરતા વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા રહ્યા છે. રાજયમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૨૭,૫૨૪ પર પહોંચ્યો છે જયારે એકલા મુંબઈમાં કેસ ૧૫,૭૩૯ પહોંચ્યો છે અને ૬૨૧ના મોત થઈ ગયા છે જયારે રાજયમાં ૧૦૧૯ના મોત થઈ ગયા છે.

મુંખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેની આગેવાનીમાં થયેલી બેઠકમાં પ્રદેશના ઉપમુખ્યમંત્રી અજિત પવાર, પાણી પુરવઠા મંત્રી જયંત પાટિલ, શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે, ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ, રાજયમંત્રી બાલાસાહેબ થોરાટ અને લોક નિર્માણ વિભાગના મંત્રી અશોક ચવ્હાણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં હાજર રહ્યા હતા.

દેશમાં ૧૭મી તારીખ પછી લોકડાઉન લંબાવવામાં આવશે તેમાં કેટલીક છૂટછાટો સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ શરુ કરવામાં આવી શકે છે તેવી સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. આ સાથે હવાઈ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવી શકે છે. જોકે, દેશમાં સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને આગામી લોકડાઉનમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી શકે છે.

(11:37 am IST)