Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

દિલ્હી કેમીસ્ટ એસો. દ્વારા થયેલ

નીતિ આયોગ સામેની પીટીશનમાં ર૯ મે, તારીખ પડી

આરોગ્ય સેતુ એપ તથા ઇ-ફાર્મસી સંદર્ભે થયેલ પીટીશનનો જવાબ દિવસ ૧૦માં આપવા દિલ્લી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું

રાજકોટ તા.૧પઃ કેન્દ્ર સરકારની સત્તાવાર એપ (મોબાઇલ એપ્લીકેશન) આરોગ્ય સેતુમાં લીંક થયેલ આરોગય સેતુ મિત્ર એપ-વેબસાઇટમાં ઇ-ફાર્મસીને પ્રોત્સાહન આપતી તમામ કંપનીની એપ તાત્કાલિક ડી-લીંક (બંધ કરવામાં આવે) કરવામાં આવે. આરોગ્ય સેતુ મિત્ર (aarogyasetumitr.in) એ ઇ-ફાર્મસી માટેનું માર્કેટીંગ ટૂલ છે કે જે ગેરકાયદેસર, ભેદભાવયુકત છે તેને તુરત જ બંધ કરવામાં આવે.

ઉપરોકત બાબતે દિલ્હીના સાઉથ કેમીસ્ટસ એન્ડ ડીસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશન દ્વારા કેન્દ્ર સરકારના નીતિ આયોગ સામે દિલ્હી હાઇકોર્ટમાં પીટીશન કરી દાદ માંગવામાં આવી હતી. જેનું હીયરીંગ આજરોજ તા.૧૪ ગુરૂવારના રોજ રાખવામાં આવ્યું હતું.

દિલ્હી હાઇકોર્ટના જસ્ટીશ જયંત નાથ દ્વારા વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા હીયરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય સેતુ એપ તથા ઇ-ફાર્મસી સંદર્ભે થયેલ પીટીશનનો ૧૦ દિવસમાં જવાબ આપવા નીતિ આયોગ-કેન્દ્ર સરકારને જણાવાયું છે. જવાબ મળ્યેથી ત્યાર પછીનું હીયરીંગ ર૧ મે, ર૦ર૦ના રોજ રાખવામાં આવ્યું છે.

સમગ્ર ભારતમાં આશરે સાડા આડ લાખ જેટલા દવાના વેપારીઓનું સંગઠન ધરાવતા AIOCD (ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ)ના માર્ગદર્શન હેઠળ દિલ્હીના સાઉથ કેમીસ્ટસ એન્ડ ડીસ્ટ્રીબ્યુટર્સ એસો. દ્વારા થયેલ પીટીશનમાં અન્ય બાબતોનો પણ ઉલ્લેખ થયેલો છે. જેમાં ઇ-ફાર્મસી દ્વારા ઓફલાઇન દવાના વેપારીઓને નુકશાન થઇશકે, પબ્લિક ગેરમાર્ગે દોરાઇ શકે, સરકારની સત્તાવાર એપનો કોમર્શીયલ દુરૂપયોગ થતો રોકવો વિગેરેનો સમાવેશ થાય છે.

કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું કે ઇ-ફાર્મસી ગેરકાયદેર છે જે બંધ જ થવી જોઇએ. વર્ષોથી ઇમાનદારીથી વેપાર કરતા કેમીસ્ટસ ઇ-ફાર્મસી સ્વિકારતા નથી.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં દવાના વેપારીઓ જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓ ઉપર અવિશ્વાસરૂપે છેતરપિંડી થઇ રહી છે તેવું પ્રતિત થઇ રહ્યું છે.

(11:31 am IST)