Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ટ્રોલી બેગ ઉપર બાળક, હાથમાં દોરી રસ્તા પર ખેંચતી મહિલાનો વિડિયો વાયરલ

કલેકટર કહે છે... આ કોઇ નવી વાત નથી : નાનપણમાં અમે આવું જ કરતા : પ્રવાસી મજૂરોની હાલત કેવી છે તે સ્પષ્ટ કરે છે તસ્વીર

નવી દિલ્હી, તા. ૧પઃ કોરોના વાયરલના કારણે લાગુ લોકડાઉન દરમ્યાન પ્રવાસી મજૂરોનું પગપાળા પોતાના ઘેર જવાનું ચાલુ જ છે. પ્રવાસી મજૂરોની સાથે સાથે તેમના નાના બાળકો પણ પગપાળા જ લાંબુ અંતર કાપવા મજબૂર છે. સોશ્યલ મીડીયા પર એક એવો વીડીયો જાહેર થયો છે. જેમાં એક બાળક ચાલતા ચાલતા થાકી ગયો તો તેની માંએ તેને ટ્રોલી બેગ પર સુવડાવી દીધો અને તેની માં ડ્રોલી ખેંચીને આગળ વધતી રહે છે. આ તસ્વીરથી એક બાજુ આખો દેશ હચમચી ગયો તો આ વીડીયો બાબતે જયારે આગ્રાના કલેકટર પ્રભુ નારાયણને પૂછવામાં આવ્યું તો તેમણે બિનજવાબદાર બયાન આપતા કહ્યું કે, અમારી આખી ટીમ મહેનતપૂર્વક કામ કરી રહી છે. આવા એક બે બનાવો તો આવતા રહે. તેમણે કહ્યું કે આપણે પણ જયારે નાના હતાં ત્યારે આપણે પણ પિતાજીની બેગ પર બેસી જતા. કેટલાક લોકો બસની સગવડ હોવા છતાં આવી રીતે નીકળી પડે છે.

આ વીડીયો આગ્રાનો છે. ઝાંસી જીલ્લાના મહોબાના લગભગ દોઢ ડઝન લોકો ત્રણ દિવસ પહેલા પંજાબથી પોતાના ઘરે જવા પગપાળા નિકળ્યા હતાં. મહિલાના પતિ અનુસાર, તે લોકો ત્રણ દિવસથી પગે ચાલી રહ્યા છે. રસ્તામાં કંઇ ખાવાનું મળી જાય તો ખાઇ લે છે નહીંતર ચાલતા રહે છે. તેમનું કહેવું છે કે અમારે બસ ઘરે પહોંચવું છે.

લાચારીની આવી જ એક અન્ય તસ્વીર મધ્યપ્રદેશના પરિવારની છે. એક પ્રવાસી મજૂર ભર તડકામાં ૧૭ દિવસ પગપાળા ચાલ્યો. હૈદ્રાબાદથી ઘરે જવા માટે જયારે બીજો કોઇ વિકલ્પ ન મળ્યો તો લાકડાની ગાડી બનાવીને ગર્ભવતી પત્ની અને બે વર્ષની દિકરીને આ ગાડીમાં બેસાડીને ઘર તરફ ચાલી નિકળ્યો. જયારે રજેગાંવ બોર્ડર પર જવાનોએ આ દંપતિને આવતા જોયા તો તેમણે મદદ કરી દિકરીના પગમાં ચંપલ પણ નહોતા. પોલીસે બાળકીને ચંપલ અપાવ્યા અને પછી પરિવારને ઘર સુધી પહોંચાડવાની સવલત કરી આપી.

(10:56 am IST)