Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વેપારીઓને જીએસટીમાં ઢગલાબંધ રાહતો આપવા તૈયારી

લોકડાઉનને કારણે કામધંધા બંધ હોવાથી વેપારીઓ મુશ્કેલીમાં છે ત્યારે સરકાર ઘણી છૂટ આપવા તૈયારઃ ઈન્વોઈસની જગ્યાએ રીસીપ્ટના આધારે જીએસટી ભરવાની રાહત આપવા તૈયારી : વેપારીઓનું ટેન્શન હળવુ કરવા સરકાર તૈયારઃ જીએસટી ભરવામાં વેપારીઓને ઈએમઆઈનો વિકલ્પ પણ મળી શકે છે

નવી દિલ્હી, તા. ૧૫ : કેન્દ્ર સરકાર જીએસટીના મામલે વેપારીઓને એક મોટી રાહત આપવા જઈ રહી છે. વેપારીઓને ઈન્વોઈસની જગ્યાએ રીસીપ્ટ (રસીદ)ના આધાર પર જીએસટી ભરવાની રાહત મળી શકે છે. આનો મતલબ એ છે કે ઓર્ડર મળવા અને માલ સપ્લાય કર્યા બાદ નહિ પરંતુ વેપારીઓને પેમેન્ટ આવ્યા બાદ જ જીએસટી ચૂકવવાનો રહેશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં નાણા મંત્રાલયમાં સતત બેઠકો ચાલી રહી છે. એક સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે વેપારીઓના અનેક સંગઠનોએ નાણા મંત્રાલયને આગ્રહ કર્યો છે કે લોકડાઉનને કારણે તેઓને પેમેન્ટ મળવામા મુશ્કેલી થઈ રહી છે, પરંતુ તેઓએ ઈન્વોઈસના આધાર પર જીએસટી ચૂકવવો પડી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે જીએસટીનુ ચૂકવણુ માસિક કરવામાં આવતુ હોય છે તેવામા જરૂરી છે કે પેમેન્ટ મળ્યા બાદ જ જીએસટીનું ચૂકવણુ કરવાની રાહત થોડા સમય માટે આપવામાં આવે. આ બાબતે વિચારણા થઈ રહી છે. સરકાર આ બાબતે કેટલાક સમય માટે છૂટ આપી શકે છે.

સૂત્રોનું કહેવુ છે કે સરકાર જીએસટીને લઈને અનેક પ્રકારની રાહતો આપવા વિચાર કરી રહી છે. લોકડાઉન ખુલ્યા બાદ વેપારની ગાડી પાટે ચડાવવા અને ચીજવસ્તુઓની હેરફેરને લઈને વેપારીઓને ઘણી પરેશાની થઈ શકે છે. આ બાબતને ધ્યાને રાખી સરકાર વેપારીઓને જીએસટીના મામલામાં કેટલીક રાહતો આપવા વિચાર કરી રહી છે. આ ફેંસલો જીએસટી કાઉન્સીલમા લેવાશે તેથી સરકાર વહેલામાં વહેલી તકે આ બેઠક બોલાવવાનો નિર્ણય લઈ શકે છે. આ બાબતે રાજ્યો સાથે પણ વાતચીત ચાલુ છે કે જેથી તેઓની આવક ઉપર પણ વધુ અસર ન પડે.

નિષ્ણાંતો કહે છે કે જો આ નિર્ણય લેવાશે તો વેપારીઓને ઘણી રાહત થશે. અત્યારે એવુ થાય છે કે તમે સામાનનો ઈન્વોઈસ બનાવો તો તેના પર જીએસટીની જવાબદારી બની જાય છે. બીજી તરફ વેપારીઓને માલની સપ્લાય કર્યા બાદ જ રસીદ મળે છે. સાથે પેમેન્ટ મળે છે. અત્યાર સુધી વેપારીઓ કોઈપણ પ્રકારથી જીએસટીનુ ચૂકવણુ ઈન્વોઈસ બનાવ્યા બાદ કરતા હતા પરંતુ લોકડાઉનને કારણે તેઓનું પેમેન્ટ અટકી ગયુ છે. તેઓ આ માટે કયા પ્રકારથી પેમેન્ટ કરશે ? તેને લઈને ઘણી મુશ્કેલી છે. વેપારીઓ સામે રોકડની સમસ્યા છે. જો સરકાર આ સુવિધા આપશે તો વેપારીઓને રાહત થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી ભરવા માટે વેપારીઓને ઈએમઆઈનો વિકલ્પ પણ મળી શકે છે. આનો અર્થ એ કે વેપારી હપ્તામાં જીએસટી ભરી શકશે.

(10:43 am IST)