Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

PF યોગદાનની 'રાહત' કર્મચારી માટે ખોટનો સોદોઃ ટેક્ષ વધશેઃ ફાયદો થશે કંપનીઓને

સરકારે PF યોગદાનને ૩ માસ માટે ૧૨%થી ઘટાડી ૧૦ ટકા કરેલ છે : કર્મચારીનો 'ટેક હોમ સેલેરી' વધશે પણ ટેક્ષની જવાબદારી વધશે

નવી દિલ્હી, તા.૧૫: કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) ખાતામાં કંપની અને કર્મચારી બંને તરફથી અપાતા યોગદાનને આગામી ત્રણ મહિના (જૂન, જુલાઇ અને ઓગષ્ટ) માટે ૧૨ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરી નાખ્યુ છે. આ પગલા બાબતે એવું કહેવાયું છે કે તેનાથી કર્મચારીઓની ટેક હોમ સેલરી વધશે. આ નિર્ણય અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે આ પગલાથી ટેક હોમ સેલરી જરૂર વધશે પણ તેનાથી આવકવેરાનો બોજ પણ વધશે.

માની લોકે તમારો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું મળીને ૫૦ હજાર રૂપિયા થાય છે. આ રકમના ૧૨ ટકા તમારે પી.એફ ખાતામાં દર મહિને ભરવાના હોય છે. એટલે કે ૬૦૦૦ રૂપિયાનું યોગદાન તમે દર મહિને આપો છો અને એટલી જ રકમનું યોગદાન તમારા નોકરીદાતા આપે છે એટલે કે કુલ ૧૨૦૦૦ રૂપિયાનું યોગદાન તમારા પીએફ ખાતામાં થાય છે. નાણાંપ્રધાન દ્વારા ૨ ટકાનો ઘટાડો કરવાથી કુલ યોગદાન ૨૪ ટકાથી ઘટીને ૨૦ ટકા થઇ જશે. એટલે તમારા પીએફ ખાતામાં ૧૦ હજાર રૂપિયા જ જમા કરવાના થશે. આમ તમારા હાથમાં ૧૦૦૦ રૂપિયા વધારે આવશે.

ફિનસેફ ઇન્ડિયાના સંસ્થાપક, મૃણ અગ્રવાલ અનુસાર, ઇપીએફમાં યોગદાન ઘટવાથી વ્યકિતગત કરદાતાઓને તેમના રેડ સ્લેબ અનુસાર બોજ વધશે. જે કરદાતા ઉંચા સ્લેબમાં આવતા હશે તેમણે વધારે કર ચૂકવવો પડશે. જો ઉચ્ચ સ્લેબમાં આવતા કરદાતાના પગારમાં ૧૦૦૦ રૂપિયાનો વધારો થશે. તેના હાથમાં ૭૦૦ રૂપિયા જ આવશે. ૩૦૦ રૂપિયા કર ચૂકવવામાં  જતા રહેશે.

રિટાયરમેન્ટ પ્લાનીંગ માટે ઇપીએફઓ એક ઉત્તમ માધ્યમ છે. રિટાયરમેન્ટ પછી એક સાથે મોટી રકમ મળતી હોય  છે. પ ઇપીએફઓમાં યોગદાન ઘટાડવાથી આ રકમ પર પણ અસર થશે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ કાપથી પગારદાર વર્ગને લાભ ઓછો અને નુકશાન વધારે થશે. જો કે કંપનીઓને બે ટકાનો ફાયદો થશે.

(10:27 am IST)