Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

રિયાઝ નાઈકુ બાદ હવે આ ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું બન્યું લિસ્ટઃ ટોપ પર છે 'ડોકટર સાબ'

આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જેશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા છે

નવી દિલ્હી, તા.૧૫: જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત ટોચના ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની ભયજનક યોજનાઓને નિષ્ફળ બનાવવા ભારતીય સેનાએ નવી કામગીરી શરૂ કરી છે. સુરક્ષા દળોનાં ઉચ્ચ સ્ત્રોતો અનુસાર આ આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા, જેશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા છે. હાલમાં, સુરક્ષા દળોનો ઉદ્દેશ બધા સક્રિય આતંકવાદી નેટવર્કને નાશ કરવાનો છે અને તેમને નિષ્ફળ બનાવવા માટે જવાબી કાર્યવાહી શરૂ કરવાનો છે.

આ ટોચના ૧૦ આતંકીઓને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી ચલાવવામાં આવતા આતંકવાદી શિબિરોમાં તાલીમ આપવામાં આવી હતી. કાશ્મીરી યુવકોને ભરતી કરવા અને આતંકવાદી હુમલા કરવા માટે ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરતા પહેલા તેઓ શસ્ત્રોથી સજ્જ કરવામાં આવે છે.

આતંકવાદ વિરોધી એકમના વડાએ કહ્યું કે, 'પાકિસ્તાન કાશ્મીરના નિર્દોષ યુવાનોની ભરતી કરી રહ્યું છે અને ભારત વિરુદ્ઘ જેહાદ કરવાની તાલીમ આપી રહ્યું છે.' કાશ્મીરના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનનાં કમાન્ડર રિયાઝ નાઈકુને તાજેતરમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. ત્યારે જ સુરક્ષા દળોનું આ ઓપરેશન ટોચના આતંકવાદીઓની ઓળખ માટે શરૂ કરવામાં આવ્યું છે.

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર હિઝબુલ મુજાહિદ્દીનના નવનિયુકત વડા સૈફુલ્લા મીર ઉર્ફે ગાઝી હૈદર ઉર્ફે ડો સાબ આ લિસ્ટમાં ટોચ પર છે. તે ઓકટોબર ૨૦૧૪માં હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો અને તે પુલવામાના મલંગપોરાનો છે. તેનું નામ નાઈકુએ ગાઝી હૈદર રાખ્યું હતું. આ યાદીમાં બીજા સ્થાને મોહમ્મદ અશરફ ખાન ઉર્ફે અશરફ મૌલવી ઉર્ફ મન્સૂર-ઉલ-ઇસ્લામ છે. તે ૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ હિઝબુલ મુજાહિદ્દીનમાં જોડાયો હતો અને તે પછીથી ખીણમાં સક્રિય છે.

જનૈદ સેહરાઇ આ યાદીમાં ત્રીજા સ્થાને છે અને હિઝબુલ મુજાહિદ્દીન સાથે પણ સંકળાયેલો છે. તે પછી આવે મોહમ્મદ અબ્બાસ શેખ. જે તુરાબી મૌલવી તરીકે વધુ જાણીતો છે અને ૩ માર્ચ ૨૦૧૫થી સક્રિય છે. તે હિઝબુલનો સભ્ય પણ છે. ઝાહિદ ઝરગર આ યાદીમાં પાંચમા ક્રમે છે અને તે જૈશ-એ-મોહમ્મદ માટે સક્રીય છે. તે ૨૦૧૪થી સક્રિય છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તે ભૂગર્ભમાં છે.

આ યાદીમાં છઠ્ઠા સ્થાને શકુર છે, જે લશ્કરનો સભ્ય છે અને ૨૦૧૫દ્મક સક્રિય છે. આ યાદીમાં સાતમા સ્થાને જેઈએમ સભ્ય ફૈઝલ છે. તે ફૈઝલ ભાઈ તરીકે ઓળખાય છે અને ૨૦૧૫થી સક્રિય છે. આઠમા સ્થાને હિઝબુલનો સભ્ય શિરાઝ અલ લોન છે. તે મૌલવી સાહબ તરીકે ઓળખાય છે. તે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. જેઈએમના સભ્ય સલીમ પારે નવમા સ્થાને છે અને લશ્કરના ઓવૈસ મલિક આ લિસ્ટમાં છેલ્લા સ્થાને છે. આ આતંકીઓ ટોચની કેટેગરીમાં છે અને ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાં સક્રિય છે.

આતંકવાદ વિરોધી એકમના વડાએ કહ્યું કે, આ આતંકીઓની શોધ ચાલુ છે. દ્યણા જિલ્લાઓમાં આતંકવાદીઓ વિશેની ગુપ્ત માહિતીની ગુણવત્તામાં સુધારો થયો છે અને અમે માથું ઉંચકતા પહેલા આ પ્રદેશમાં આતંકવાદ વિરુદ્ઘ કાર્યવાહી કરવા કટિબદ્ઘ છીએ.

(10:27 am IST)