Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

મૌલાના સાદે જ મરકજમાં રોકાવા માટે કહ્યું હતું : ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ 166 જમાતીઓએ કર્યો દાવો

ક્રાઇમ બ્રાન્ચની પુછ્પરછથી બચવા કોરોના રિપોર્ટ કરાવવામાં મનમાની

નવી દિલ્હી : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મૌલાના સાદના દીકરા અને સંબંધીઓ સહિત કુલ 166 જમાતીઓની પુછપરછ કરી લીધી છે. જાણવા મળ્યા મુજબ મોટા ભાગના જમાતીઓએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સ્વીકાર્યું હતું કે, મૌલાના સાદે જ 20મી માર્ચ બાદ મરકજમાં રોકાવા કહ્યું હતું. મોટા ભાગના જમાતીઓએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે, તેઓ પોતાની જાતે મરકજમાંથી નીકળવા ઈચ્છતા હતા પરંતુ મૌલાના સાદે તેમને એવું કરતા અટકાવ્યા હતા.

 સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે મૌલાના સાદ જાણી જોઈને પોતાનો કોવિડ-19 રિપોર્ટ સરકારી હોસ્પિટલમાંથી કરાવવાનું ટાળી રહ્યા છે કારણ કે, તેઓ જાણે છે કે સરકારી હોસ્પિટલમાંથી કરાવેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તે સાથે જ ક્રાઈમ બ્રાન્ચ તેમને પુછપરછ માટે બોલાવી લેશે. મૌલાના સાદ જાણે છે કે, જ્યાં સુધી તે પોતાનો કોરોના નેગેટિવવાળો રિપોર્ટ નહીં આપે ત્યાં સુધી ક્રાઈમ બ્રાન્ચ મેડિકલ પ્રોટોકોલ અંતર્ગત તેને પુછપરછ માટે નહીં બોલાવી શકે.

મૌલાના આ વાતનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને પોતાના વકીલો દ્વારા મીડિયાના એક વર્ગમાં ખોટા સમાચારો છપાવીને પોતાના માટે પુરાવા ભેગા કરી રહ્યો છે. આમ કરીને તે સમાચારના કટિંગ્સ કોર્ટમાં રજૂ કરીને પોતાનો પક્ષ મજબૂત બનાવવા ઈચ્છે છે.

(12:00 am IST)