Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સંધીય મોરચો કોંગ્રેસનો ટેકો લેવા તૈયાર

કેન્દ્ર સરકારનું સંચાલન મોરચો જ કરશેઃ ટીઆરએસઃ સરકાર બનાવવા જેટલી બેઠકો કોઈને નહીં મળે

હૈદરાબાદ, તા. ૧૫ :. તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ કહ્યું છે કે પ્રસ્તાવિત સંધીય મોરચાની કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસનો ટેકો લઈ શકાશે પણ સરકારનું સંચાલન મોરચો જ કરશે.

ટીઆરએસે સંધીય મોરચાના ભાજપા સાથેના જોડાણની શકયતાઓને સંપૂર્ણપણે રદ્દ કરી છે. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ટીઆરએસના આ બયાનને બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીઆરએસ પ્રમુખ અને તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) એ બીન ભાજપા અને બીન કોંગ્રેસી સંધીય મોરચો બનાવવાની પહેલ કરી છે. કેસીઆરે આ બાબતે ગત સોમવારે ડીએમકે પ્રમુખ સ્ટાલીન સાથે મુલાકાત કરી હતી. જણાવાઈ રહ્યુ છે કે, સ્ટાલીને સંધીય મોરચો બનાવવાને બદલે ટીઆરએસને કોંગ્રેસને ટેકો આપવાની ભલામણ કરી હતી.

આ ઘટનાક્રમ પછી ટીઆરએસના પ્રવકતા આબિદ રસુલખાને મંગળવારે કહ્યું કે આ વખતે કોંગ્રેસ અથવા ભાજપા બન્નેમાંથી કોઈને સરકાર રચવા જેટલી બેઠકો નહીં મળે. આબિદે કહ્યું કે જો સંધીય મોરચો બનશે તો સરકાર બનાવવા માટે તેને કોંગ્રેસનો ટેકો લેવામાં કોઈ વાંધો નથી પણ, સરકારનું સંચાલન મોરચો જ કરશે અને વડાપ્રધાન પણ સ્થાનિક પક્ષોના નેતાઓમાંથી જ બનાવવામાં આવશે.

(10:18 am IST)