Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પંજાબ કોંગ્રેસમાં જૂથબંધી :નવજોતસિંહ સિદ્ધુ પોતાના જ રાજ્યમાં ખામોશ રહેશે :સિદ્ધુની પત્નીએ કર્યો મોટો ખુલાસો

કેપ્ટનસાહેબે અને આશાકુમારીએ તમામ બેઠકો પર પાર્ટીની જીતજવાબદારી લીધી છે તો સિદ્ધુની શું જરૂર છે

અમૃતસર ;પંજાબ કોંગ્રેસમાં જૂથબંધી બહાર આવવા લાગી છે જેનો ભોગ કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ બન્યો હોવાનું બહાર આવ્યું છે જેના કારણે સિદ્ધુ પોતાના જ ગૃહ રાજ્ય પંજાબમાં ચૂંટણી પ્રચાર નહીં કરે

 કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાના જ ગૃહ રાજ્ય પંજાબમાં ચૂંટણી પ્રચાર નહીં કરે. કારણ કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહે તેમને પ્રચાર કરવાનું કહ્યું નથી. તેમની પત્ની અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નવજોતકૌરે આ વાત જણાવી હતી . 

એવા અહેવાલો હતાં કે સિદ્ધુની ખરાબ તબિયતના કારણે તેઓ પ્રચાર કરી શકે તેમ નથી. પરંતુ હવે પત્નીએ સિદ્ધુને પંજાબમાં પ્રચાર કરવાની મંજૂરી ન આપવા બદલ પાર્ટીના પંજાબ પ્રભારી આશાકુમારીને પણ જવાબદાર ઠેરવી દીધા છે.

અહીં તેમણે પત્રકારોને જણાવ્યું કે, "કેપ્ટન સાહેબ નાના કેપ્ટન છે અને રાહુલ ગાંધી સૌથી મોટા કેપ્ટન છે અને તેમણે તેમને (સિદ્ધુ) અન્ય રાજ્યોમાં જવાબદારી સોંપી છે તથા નવજોત (સિદ્ધુ) ત્યાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે."

નવજોતકૌરે કહ્યું કે, 'જ્યારે કેપ્ટનસાહેબે અને આશાકુમારીએ તમામ (13) બેઠકો પર પાર્ટીની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી છે, તો પછી પંજાબમાં ચૂંટણી પ્રચાર માટે નવજોત (સિદ્ધુ)ની શું જરૂર છે?' ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુ પટણા સાહિબથી પાર્ટીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાના સમર્થનમાં એક રેલીને સંબોધવા માટે મંગળવારે જ બિહાર જવા માટે રવાના થઈ ગયાં. 

(12:00 am IST)