Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજસ્થાનના અલવરમાં સરકારી હોસ્‍પિટલમાં મહિલાને હવસખોરોએ પીંખી નાખીઃ આરોપી ઝડપાયો

અલવરઃ રાજસ્થાનના અલવરમાં બળાત્કારનો વધુ એક કેસ બહાર આવ્યો છે. અલવરના કઠુમર કસબામાં રાજકીય સરકારી હોસ્પિટલમાં 7 મેના રોજ એક દલિત મહિલાને હવસખોરોએ પીંખી નાખી હતી. પોલીસે પકડેલા આરોપી રામનિવાસ ગુર્જરને પોલિસ મંગળવારે કોર્ટમાં રજૂ કરશે. આ અગાઉ, શનિવારે આ કેસમાં એક અન્ય આરોપીને 15 દિવસની પોલિસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

પીડિતાએ ગુરૂવારે કઠુમર કસબાના પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તે 5 મેના રોજ પોતાની પુત્રવધુની ડિલીવરી કરાવવા માટે કઠુમર ખાતેની સરકારી હોસ્પિટલમાં ગઈ હતી, જ્યાં તેની સાથે જાતીય અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.

ડિલીવરી રૂમમાં ગુજાર્યો બળાત્કાર

પીડિતાએ જણાવ્યું કે, 7 મેની રાત્રે 8 કલાકે એક પુરુષ નર્સ ત્યાં ડ્યુટી પર તૈનાત હતો. પ્રસુતાના નામના કાગળ બનાવવા માટે તે મહિલાને ડિલીવરી રૂમમાં લઈ ગયો હતો. અહીં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર પહેલાથી જ હાજર હતો. મહિલા જેવી ડિલીવરી રૂમમાં પ્રવેશી, પુરુષ નર્સે ગેલેરીનો ગેટ બંધ કરી દીધો હતો અને તેને પથારીમાં પછાડી દીધી હતી. ત્યાર પછી ડ્રાઈવરે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પછી પુરુષ નર્સે પણ તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પુરુષ નર્સને લાત મારીને નીચે પાડી દીધો હતો. ત્યા પછી ઊભી થઈને દૂર ભાગી ગઈ હતી. બંનેએ તેના લાફા માર્યા અને તેને ધમકી આપી કે જો આ ઘટના અંગે કોઈને જણાવ્યું તો તેની પુત્રવધુનો ડિલીવરીનો કેસ ખરાબ કરી દેશે, નવજાતને મારી નાખશે.

આથી, ડરી ગયેલી મહિલાએ એ સમયે પોતાનું મોઢું બંધ રાખ્યું હતું. પુત્રવધુની ડિલીવરી થઈ ગયા પછી તેને વહેલી રજા અપાવીને સુરક્ષિત ઘરે પહોંચી ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી પીડિતાએ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુરૂવારે રિપોર્ટ દાખલ કરીને પીડિત મહિલાની મેડિકલ તપાસ કરાવી છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. મહિલાની ફરિયાદને આધારે પોલીસે બંને આરોપી એમ્બ્યુલન્સ ચાલક અને પુરુષ નર્સની ધરપકડ કરી લીધી હતી.

(4:52 pm IST)