Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કર્ણાટક ચૂંટણી પરિણામ

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પર શું અસર?

બેંગલુરૂ તા. ૧૫ : કર્ણાટકની ચૂંટણીના પરિણામ પર આખા દેશની નજર ટકેલી છે. આ ચૂંટણી ખાસ હોવા અંગે રાહુલ ગાંધીનું કોંગ્રેસના પ્રમુખ તરીકેનું પ્રદર્શન તેમજ નરેન્દ્ર મોદીનો વિજયરથ જેવા કારણ તો સ્વાભાવિક છે. લોકો એ પણ જાણવા ઉત્સુક છે કે શું કર્ણાટકની ચૂંટણી નરેન્દ્ર મોદી અને અમિત શાહનો વિજય રથ રોકી શકશે? જે એક પછી એક રાજયમાં પોતાની સરકાર બનાવવામાં સફળ રહ્યા છે. કર્ણાટક ચૂંટણીથી ભાજપને દક્ષિણમાં પગપેશારો કરવાનો તક મળશે.

 

કર્ણાટક પછી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટકના ચૂંટણી પરિણામો ૨૦૧૯ની તસવીર સ્પષ્ટ કરી દેશે. ગોરખપુર અને ફુલપુર પેટા ચૂંટણીમાં ભાજપની હાર બાદ આ પ્રથમ મોટી ચૂંટણી છે, જેમાં સૌથી વધારે રાજયમાં સત્તા પર રહેલી પાર્ટીની પ્રતિષ્ઠા દાવ પર હશે.

કોંગ્રેસ સતત ચૂંટણી હારતી આવી છે. માટે જ કર્ણાટકને બીજેપીના હાથમાં જતું બચાવવાનું તેના પર દબાણ છે. કર્ણાટકમાં હાર મળતાની સાથે જ રાઇટ વિંગ રાહુલ ગાંધીને લઈને વધારે આક્રમક થશે અને ૨૦૧૯માં તેનો ફાયદો લેવાનો પ્રયાસ કરશે. બીજેપી હારે છે તો કોંગ્રેસ સહિત આખું વિપક્ષ એવું સાબિત કરવાનો પ્રયાસ કરશે કે હવે કેન્દ્રમાં ભાજપની સરકારના વળતા પાણીને તૈયારી થઈ ગઈ છે.

આ જ કારણે બીજેપીનો ચૂંટણી પ્રચાર વધારે આક્રમક રહ્યો હતો. શરૂઆતમાં નક્કી કરવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી ફકત સાત રેલીને જ સંબોધન કરશે, પરંતુ ચૂંટણી પ્રચાર શાંત થયો ત્યાં સુધી તેમણે ૨૧ રેલી સંબોધી હતી. રાહુલ ગાંધીએ ૨૦ ચૂંટણી રેલીને સંબોધી હતી. રાહુલ ગાંધીએ ૪૦ રોડ શો કર્યા હતા. તો સામે પક્ષે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે થોડા સમય માટે કર્ણાટકમાં જ ડેરા તંબૂ તાણ્યા હતા.

રસપ્રદ વાત એ છે કે ચૂંટણીમાં ઉત્ત્।ર પ્રદેશવાળાઓએ પણ ખૂબ જોર બતાવ્યું હતું. માયાવતીએ જેડીએસને સમર્થન આપતા રેલી પણ કરી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ રેલી કરી હતી. બીજેપી તરફથી યોગી આદિત્યનાથે મોરચો સંભાળ્યો. સ્વાભાવિક છે કે આ ચૂંટણીને તમામ રાજકીય પાર્ટીઓ ૨૦૧૯ માટે મહત્વની માની રહી છે.(૨૧.૨૦)

(4:16 pm IST)