Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નેપાળની જમીનનો ઉપયોગ નહીં થાય : શર્મા

નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો

કાઠમાંડૂ તા. ૧૫ : નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો છે કે, નેપાળની જમીનનો ઉપયોગ ભારત વિરોધી કાર્યવાહી માટે કરવા દેવામાં નહીં આવે. આ માહિતી ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ આપી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં વિજય ગોખલેએ જણાવ્યું કે, 'નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલીએ પોતાની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું કે, નેપાળ ભારતની ચિંતાઓને લઈને સંવેદનશીલ છે અને નેપાળની જમીનનો ઉપયોગ ભારત વિરોધી કાર્યવાહી માટે કરવા દેવામાં આવશે નહીં. પીએમ મોદીએ નેપાળના વડાપ્રધાનની ભાવનાઓનું સમ્માન કરતા પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી હતી.'

વિજય ગોખલેએ કહ્યું કે, 'નેપાળના વડાપ્રધાનનું વકતવ્ય ભારત માટે ઘણું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન તરીકે કે.પી. શર્મા ઓલીના પ્રથમ કાર્યકાળ (ઓકટોબર ૨૦૧૫થી ઓગસ્ટ ૨૦૧૬) દરમિયાન ભારત અને નેપાળના સંબંધોમાં ઉત્સાહ જણાયો નહતો. એ સમયે નેપાળની કથળેલી અર્થવ્યવસ્થા માટે ભારતને દોષી ગણાવવામાં આવ્યું હતું. એવું પણ માનવામાં આવતું હતું કે, કે.પી. શર્મા ઓલી ભારતને બદને ચીનની વધુ નિકટ જઈ રહ્યાં છે.'

ગોખલેએ જણાવ્યું કે, પીએમ મોદીની બે દિવસની નેપાળ મુલાકાતનો હેતુ બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો હતો. તેમણે કહ્યું કે, સરહદ પાર વીજળી પહોંચાડવાની વાત હોય કે સંપર્ક વધારવાની વાત હોત, બન્ને દેશોના સંબંધો ઉષ્માપૂર્ણ રહે તે માટે ભારત હંમેશા પ્રયાસ કરતું રહ્યું છે. ફેબ્રુઆરી-૨૦૧૮માં નેપાળમાં સત્તા સંભાળ્યા બાદ કે.પી. શર્મા ઓલી તેમના પ્રથમ વિદેશ પ્રવાસે એપ્રિલમાં ભારત આવ્યા હતા. ગોખલેએ જણાવ્યું કે, ભારતે નેપાળમાં લોકશાહી સ્થાપનનું સ્વાગત કર્યું છે.

(2:34 pm IST)