Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર હાલ જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપના બંગ્લોઝમાં રોકાયોઃ જામનગર આવવા પાછળનું કારણ સચિવ વઝે પ્રકરણ અથવા કોરોના

જામનગર: દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત રહેઠાણ એન્ટાલિયા હાઉસ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. એન્ટાલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળવા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસ જેમ-જેમ આગળ વધતી જાય છે, તેમ-તેમ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, અંબાણી પરિવાર છેલ્લા એક મહિનાથી એન્ટાલિયામાં છે જ નહીં.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંબાણીનો સમગ્ર પરિવાર હાલના દિવસોમાં ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશિપના બંગલોઝમાં છે. જો કે સત્તાવાર તેની પુષ્ટિ નથી થઈ, પરંતુ ટાઉનશિપની બહાર સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં અંબાણી પરિવાર રોકાયો છે. અંબાણી પરિવારના જામનગરમાં રોકાવા પાછળ સચિવ વઝે પ્રકરણ અથવા તો કોરોના માનવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે, 25 ફેબ્રુઆરીએ એન્ટાલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી. આ મામલે NIA દ્વારા મહારાષ્ટ્ર પોલીસના API સચિન વઝેની ધરપકડ કરી છે અને હવે તપાસનો દોર મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં રોજેરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આજ કારણોસર અંબાણી પરિવાર એન્ટાલિયા છોડીને જામનગર આવી ગયો છે.

આ સિવાય મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોવાના કારણે પણ અંબાણી પરિવાર મુંબઈ છોડીને જામનગર આવી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે

(5:34 pm IST)