Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

માનવતાને પણ કોરોના સંક્રમણ : લાશની અંતિમવિધિ માટે ૧૨ થી ૧૬ હજારની ઉઘાડી લૂટ

પટણાના સ્મશાનમાં કોરોનાના મૃતકો માટે સ્પેશ્યલ મટીરીયલની વ્યવસ્થાના નામે ઉઘરાણા

પટણા,તા. ૧૫: મહામારીમાં પણ માનવતાને નેવે મુકીને લોકો પૈસા બનાવી રહ્યા છે. આનુ એક ઉદાહરણ છે. બિહારની રાજધાની પટણા ખાતે ગંગાના કિનારે આવેલુ પટણા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા સંચાલીત સ્મશાન.

અહીંના બંશઘાટ સ્મશાનમાં પટણા અને નાલંદા મેડીકલ કોલેજ તથા એઇમ્સમાંથી રોજના સરેરાશ ૩૦ થી ૫૦ શબ અંતિમ ક્રિયા માટે આવે છે. હાલમાં કોરોના મૃતકોની સંખ્યા વધારે હોવાથી અહીંનો સ્ટાફ પરિવારજનોને રાહ જોવાનું કહે છે. તેનુ એક કારણએ પણ છે અહીંના બે ઇલેકટ્રીક સ્મશાનોમાંથી એક જ ચાલુ છે.

કેટલાક પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે તેમની પાસેથી નક્કી થયેલા અંતિમક્રિયાના ચાર્જ ૩૦૦ રૂપિયાના બદલે ૧૨,૦૦૦ થી ૧૬,૦૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો. જો કે મ્યુનીપલ સ્ટાફનું કહેવુ છે કે કોરોના મૃતકો માટે સ્પેશ્યલ મટીરીયલની વ્યવસ્થા માટે આ ચાર્જ લેવામાં આવે છે.

બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડેએ આ ઉઘાડી લુંટની ઘટના પર ધ્યાન આપીને પટણાના જીલ્લા કલેકટરને આ બાબતે ધ્યાન આપીને આવી ઉઘાડી લુંટ રોકવા માટેના આદેશો આપ્યા છે.

બિહારની નબળી આરોગ્ય વ્યવસ્થાને જાહેર કરતો અન્ય એક બનાવ એક રીટાયર્ડ સૌનિકનો છે. વી.કે.સિંધ નામના આ નિવૃત સૈનિકને પટણાથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા લખીસરાઇથી નાલંદા મેડીકલ કોલેજ લાવવામાં આવેલ. પણ તે કોઇ પણ જાતની સારવાર વગર રાહ જોઇ જોઇને એમ્બ્યુલન્સમાં જ મૃત્યુ પામ્યા હતા.

(3:53 pm IST)