Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

નિર્દેશનો અમલ નહિ કરતા કોરોનાની સુનામી આવી

ગુજરાત હાઇકોર્ટે આજે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી : બેડ ખાલી છે તો લાઇનો કેમ લાગે છે ? : RTPCR ટેસ્ટનો રિપોર્ટ જલ્દી મળે તેવી વ્યવસ્થા કરો : ઓકસીજનની પૂરતી વ્યવસ્થા કરો : ૧૦૮ માટે રાહ ન જોવી પડે તેવું ગોઠવો : ઇન્જેકશનના કાળાબજાર રોકો : સાચા આંકડા આપો

અમદાવાદ તા. ૧૫ : ગુજરાતમાં કોરોના સંક્રમણ થમવાનું નામ નથી લઇ રહ્યો. એવામાં દિવસેને દિવસે કોરોનાના કેસની સંખ્યા વધતી જ જઇ રહી છે. ટેસ્ટિંગ માટે લાંબી કતારોથી લઇને હોસ્પિટલોમાં ખૂટી રહેલા બેડ અને એમ્બ્યુલન્સની લાંબી લાઇનોના દ્રશ્યો જ તે સમજવા માટે પૂરતા છે કે રાજયમાં કોરોના કઇ હદે પ્રસર્યો છે. પરંતુ તેમ છતાં રૂપાણી સરકાર જાણે કે નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે. રાજયમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને હાઇકોર્ટ પણ રૂપાણી સરકારની ટકોર કરી ચુકી છે. તેવામાં હાઇકોર્ટે ફરી એકવાર સરકારનો ઉધડો લીધો છે. હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે નિર્દેશ અને સૂચનનો અમલ થયો નથી માટે કોરોનાની સૂનામી આવી છે. ૧૫ અને ૧૬ માર્ચથી કેસો સતત વધી રહ્યાં છે.

ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની સ્થિતિ મુદ્દે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ. આ દરમ્યાન હાઇકોર્ટે ફરી એક વખત રાજય સરકારની આકરી ઝાટકણી કાઢી. હાઇકોર્ટે જણાવ્યું કે કોર્ટના નિર્દેશ અને સૂચનનો અમલ થયો ન હોવાથી કોરોનાની સુનામી આવી છે. ૧૫ અને ૧૬ માર્ચથી સતત કેસો વધી રહ્યા છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ કહેતી રહી કે ગાઇડલાઇનનું પાલન કરો પરંતુ રાજય સરકાર માની જ નહીં. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અલગ ગાઇડલાઇન છે. જયારે કે આઇસીએમઆરની ગાઇડલાઇન પણ અલગ છે આથી લોકો કન્ફયુઝ થાય છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ કોરોનાની સ્થિતિમાં ઈન્જેકશનની કાળાબજારી, ઓકિસજનની ઘટ, બેડની અછત જોવા મળી રહી છે આ મામલે સુઓ મોટોની અરજી થઈ હતી અને કોર્ટે ગુજરાત સરકારને આ અંગે જવાબ રજૂ કરવાનું કહ્યુ હતુ જેમાં સરકારે ૬૧ પાનાનું સોંગધનામું રજૂ કર્યુ હતુ અને કહ્યુ હતુ કે સરકાર બનતા બધા પ્રયાસ કરી રહી છે પણ હાઈકોર્ટે પણ તેમને સણસણતા સવાલ કર્યા હતા અને કહ્યુ હતુ કે સરકારે માધ્યમો પ્રસારિત થતા સમાચારો અને વાસ્તવિક સ્થિતિ અંગે કોર્ટને જવાબ આપવો જોઈએ. અને આજે આ અંગેની સુનાવણી ચાલતી હતી જેમાં હોસ્પિટલોમાં ખાલી બેડ અંગે કોર્ટે સવાલ પૂછ્યો હતો.

હાઈકોર્ટે ગુજરાત સરકારને સણસણતો સવાલ પૂછ્યો હતો કે, તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે? અને લાઇનો કેમ લાગે છે? દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે. કોઇ દર્દીને હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ન ઉભુ રહેવુ પડે તેવી વ્યવસ્થા કરો.

AGએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની કેન્દ્રિય વ્યવસ્થા છે. મોટેભાગે આ વ્યવસ્થા મહાપાલિકા સંભાળે છે. કલાકો સુધી દર્દીઓને રાહ જોવી પડે એવી સ્થિતિ નથી. એમ્બ્યુલન્સમાં દર્દી બેસે ત્યારે ઘણીવાર નક્કી નથી હોતું કે કઈ હોસ્પિટલમાં જવું. એમ્બ્યુલન્સ ખુદ હોસ્પિટલમાં તપાસ કરે છે અને કયાંય જગ્યા નથી મળતી એટલે સિવિલમાં આવે છે.

સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યુ છે. જેમાં ગુજરાત સરકારે જણાવ્યુ છે. કોરોનાની કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે લીધેલી સુઓમોટો મામલે રાજય સરકારને કોર્ટમાં સોગંદનામું કર્યું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ  જયંતિ રવિ એ ૬૧ પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. આ સોગંધનામામાં રાજયમાં બેડની અછત નહીં સર્જાતી હોવાનો રાજય સરકારે દાવો કર્યો છે.

સરકારનું કહેવું છે કે, રાજય દર્દી માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. અમદાવાદની ૧૪૨ હોસ્પિટલમાં ૬,૨૮૩ બેડ ઉપલબ્ધ હોવાનો સરકારે દાવો કર્યો છે. ખાનગી ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં ૨૦ ટકા રિઝર્વ કરેલા બેડના પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂકવશે. આ સિવાય અમદાવાદમાં ૯૦૦ બેડની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ ૨ અઠવાડિયામાં ઉભી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. મોરબીમાં સાડા ૫૫૦ બેડની બે કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનું જણાવ્યું છે.

કોવિડ-૧૯ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને આજે બરાબરની તતડાવી હતી. સરકારની અમુક નીતિઓ સામે સ્પષ્ટ શબ્દોમાં ભારોભાર નારાજગી વ્યકત કરતા સુઓમોટો PILના સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલો કર્યા હતા. ત્યારે આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી શરૂ થઈ છે, જેમા ફરી રેમડેસિવિર ઈન્જેકશનના મામલે કોર્ટ સરકારને ખખડાવી રહી છે.

સિનિયર એડવોકેટ આંનદ યાજ્ઞિકે રજૂઆત કરતા જણાવ્યું કે, દરેક જિલ્લામાં RTPCR ટેસ્ટ લેબ હોવી જોઈએ તેમજ દરેક મ્યુન્સિપાલિટીમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ. ટ્રાઇબલ વિસ્તારો જિલ્લામાં RTPCRની બહુ તકલીફો છે બેડ પણ મળતા નથી. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા ઉભી કરવી જોઈએ, ગામડાઓમાં ડોકટરોની કમી છે જેના પર ધ્યાન આપવું જોઈએ.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત

તા.૧થી ૧૨ એપ્રિલ દરમિયાન ૭ ઉત્પાદકોએ પ્રતિ દિન ૧ લાખ વાયલનુ ઉત્પાદન કર્યુ છે, જે આખા દેશમાં વિતરીત કરાયું એટલે ઓછા ઉત્પાદન અને વધુ માંગને કારણે આ અછત સર્જાઈ છે. અત્યારે ઉત્પાદન વધારવામાં આવ્યુ છે અને વહેલામાં વહેલી તકે વધુ જથ્થો ઉપલબ્ધ થશે.દર્દીઓને સત્વરે સારવાર મળે એ માટે તાત્કાલિક એટેન્ડ કરાશે. હોસ્પિટલની કાર્ય પ્રક્રિયામાં ફેરફાર કરાઈ રહ્યો છે. ૧૦૮ અને ૧૦૪ના કાર્ય પધ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે હવે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઈનો ન લાગે એવી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.

રાજય સરકારે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે રેમડિસિવરની નિકાસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને ગુજરાત સરકારની વિનંતીથી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.કોરોના સંદર્ભે અમદાવાદમાં ગઈકાલે ડ્રાઈવ થ્રુ ૨૦૦૦ RTPCR ટેસ્ટ કરાયા અને સાજ સુધીમા તમામને પરિણામ પણ આપી દેવાયા છે. ગુજરાત સરકારે તમામ લેબોરેટરીઓને વિનંતી કરી છે કે પોતાના સ્ટાફમાં વધારો કરે અને પરિણામો ૨૪ કલાકમા જલ્દીથી જલ્દી આપે લેબોરેટરીઓએ પણ અમને ખાતરી આપી છે તેઓ દરરોજ ૮ થી ૧૨ હજાર ટેસ્ટ કરે છે.

જિલ્લાની સરકારી હોસ્પિટલો પર સૌથી વધુ કેસોનું ભારણ છે. રાજકોટ, મોરબી જેવા સ્થળોએ પણ નવી વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે.રાજયમાં ૧૧૦૦ મે.ટન જેટલું ઓકિસજનનું ઉત્પાદન થાય છે. થોડા દિવસો પહેલા હોસ્પિટલોમાં ૫૦ મે.ટનનો જરૂર હતી આજે ૭૩૦ મે.ટન ઓકિસજનની આવશ્યકતા છે. આજે ગુજરાતમાં ઉત્પાદિત થતા ઓકિસજનનનો સંપૂર્ણ જથ્થો મેડીકલ ના ઉપયોગ માટે વકરવાનો સરકારે નિર્ણય કર્યો છે.સાથે જ રેમડેસિવિર ઈન્જેકશન માત્ર ને માત્ર મેડીકલ ઓબ્ઝર્વેશન હેઠળ આપવાના છે. રેમડીસિવર ઈન્જેકશન હોસ્પિટલમાં જ વાપરી શકાય એવુ દરેક કંપનીઓએ પોતાના ઈન્જેકશનના પેકીંગ પર લખેલુ છે.

હાઇકોર્ટની ઓનલાઈન હિયરીંગ

   લોકોની કોર્ટ પાસે ખૂબ આશા છે, ૨ દિવસમાં ફરી સુનાવણી હાથ ધરો, જવાબ માટે ટાઈમ પૂરતો છે : આનંદ યાજ્ઞિક

    ખાલી બેડની જગ્યા બાબતે ડેશ બોર્ડમાં સાચા આંકડાઓ અપડેટ થતા નથી, રિયલ ટાઇમ અપડેટ થવું જોઈએ.

   ગ્રામીણ કે બીજા વિસ્તારોમાં RTPCR લેબોરેટરી ૨૫થી ૩૦ લાખમાં શરૂ થાય છે જેમને શરૂ કરવામાં રસ હોય એમને મદદ કરો

   સીટી સ્કેન સુવિધા અત્યારે ખૂબ જરૂરી છે, લોકો લાઈનો ખૂબ લાંબી જોવા મળે છે એના માટે વિચારો

   RTPCR ટેસ્ટનો રિપોર્ટ જલ્દી મળે અને ઓકિસજનની વ્યવસ્થા ગોઠવો

   ૧૦૮ કે એમ્બ્યુલન્સ માટે રાહ ન જોવી પડે એવી વ્યવસ્થા ગોઠવો

   કોરોનામાં નાના મકાનમાં રહેતા પરિવારને પ્રોબ્લેમ થાય છે, આવા લોકોને રાખવા માટે કોઈ વ્યવસ્થા છે

   કોરોના કેસના આંકડા સાચા નથી એટલે જ રેમડેસિવિરની અછત છે આ પણ બીજું કારણ

   જે દર્દીને ઓકિસજનની જરૂર છે એને દાખલ કરવામાં આવતા નથી, આ સાચું છે?

    ઓકિસજનનું બ્લેકમાર્કેટિંગ થઈ રહ્યું છે, અરેજમેન્ટ જલ્દી કરાવો

   તમારી ડોકટરોની એકસપર્ટ ટીમ દ્વારા લોકો સુધી રેમડેસિવિરના વપરાશની સાઈડ ઇફેકટની માહિતી પહોંચાડો

   દરેક તાલુકામાં અને જિલ્લામાં RTPCR ટેસ્ટ સુવિધા છે?

   GMDCમાંડ્રાઇવ થું શરૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કઈ વ્યવસ્થા છે, તેમાં કોર્ટને રસ છે

   અમેં આખા રાજયની વાત કરીએ છે, ફકત અમદાવાદની વાતો ન કર્યા કરો મી. ત્રિવેદી

   તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ ફરી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે

   દરેક ન્યૂઝ પેપરમાં બેડ, ઓકિસજન મળતા નથી એનો ઉલ્લેખ છે

   ૧૫થી ૧૬ માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા ત્યારબાદ કોઈ ઘટાડો જોવાયો નથી

   રાજયસરકાર જે કામ કરી રહી છે તેનાથી વધુ કરવાની જરૂર છે

   હાઇકોર્ટ દ્વારા વારંવાર સરકારને ટકોર કરવામાં આવી છે છતાં પરિસ્થિતિ પર કાબૂ નથી

   તમે જે રેમડેસીવીરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી

   WHO કંઈ કહે છે, ICMR બીજુ કહે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવર લેવા ફરે છે, આ શુ છે ?

(3:30 pm IST)