Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા સ્થગિતઃ ધો.૧ થી ૯ અને ૧૧માં માસ પ્રમોશન

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં લીધો મહત્વનો નિર્ણયઃ ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાઓ ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે હવે હાલતૂર્ત મુલત્વીઃ ૧૫મી મે સમીક્ષા બાદ નવી તારીખો જાહેર થશે : કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી ૧ થી ૯ અને ૧૧ ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર ઉપલા ધોરણમાં પ્રવેશ આપી દેવાશેઃ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હીતમાં લેવાયો નિર્ણય

અમદાવાદ, તા. ૧૫ :. દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના સંકટ વચ્ચે ગઈકાલે ભારત સરકારે સીબીએસઈની બોર્ડની પરીક્ષાઓ મુલત્વી રાખવાનો નિર્ણય લીધા બાદ આજે ગુજરાત સરકારે પણ વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ કે જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે દરમિયાન યોજાવાની હતી તે હાલની સ્થિતિને અનુલક્ષીને સ્થગિત કરી દેવામાં આવી છે. એટલુ જ નહી રાજ્ય સરકારે ધો. ૧ થી ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવાનો પણ નિર્ણય લીધો છે. એટલે કે આ વર્ગોના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર ઉપલા ધોરણમાં પ્રવેશ આપી દેવાશે.

રાજ્ય સરકારે આગામી ૧૫મી મેના રોજ કોરોના સંક્રમણની સ્થિતિની પુનઃ સમીક્ષા કરી બોર્ડની પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. નવી તારીખો જાહેર કરતા પહેલા વિદ્યાર્થીઓને તૈયારી માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને સતત માંગણી થતી હતી કે બોર્ડની પરીક્ષાઓ હાલતૂર્ત મોકુફ રાખવી જોઈએ ત્યારે કેન્દ્રના નિર્ણય બાદ રૂપાણી સરકારે પણ બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી છે.

રાજ્ય સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ધો. ૧ થી ૯ અને ધો. ૧૧માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવુ. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હીતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે જાહેર કર્યુ છે સમગ્ર રાજ્યમાં ધો. ૧ થી ૧૨ના વર્ગોમાં પ્રત્યેક શિક્ષણ એટલે કે વર્ગખંડ શિક્ષણ ૧૦મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

(3:28 pm IST)