Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોના નવા લક્ષણોમાં ઉલ્ટી અને ડાયરિયાની ફરિયાદ

સંક્રમિત પાસે માત્ર ૧ મિનિટ રહેવાથી થાય છે કોરોના : સમગ્ર પરિવાર પણ ભરડામાં

નવી દિલ્હી,તા. ૧૫: દિલ્હીમાં કોરોનાની ગતિ સતત વધી રહી છે. એક દિવસમાં અહીં કોરોનાના ૧૭૦૦૦થી વધારે કેસ આવ્યા છે અને સાથે જ ૨૪ કલાકમાં ૧૦૪ દર્દીના મોત થયા છે. એક વાર ફરી ૧ લાખથી વધારે એટલે કે ૧,૦૮,૫૩૪ સેમ્પલની તપાસમાં ૧૫.૯૨ ટકા પોઝિટિવ દર્દીઓ સામેલ છે.

જો તમે માસ્ક વિના કોઈ પણ કોરોના સંક્રમિતના સંપર્કમાં ૧ મિનિટ માટે પણ આવો છો તો વાયરસ તમને ઝપેટમાં લઈ લે છે. દિલ્હી અને અન્ય જગ્યાઓએ સંક્રમણ ફેલાવવાનું આ એક મોટું કારણ છે. ડોકટરનું કહેવું છે કે ગઈ વખતે સંક્રમિતની સાથે સતત ૧૦ મિનિટ સુધી સંપર્કમાં રહેવાથી ખતરો હતો હવે આ સમય દ્યટીને ફકત ૧ મિનિટનો રહ્યો છે.

મળતી માહિતિ અનુસાર આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક મિનિટમાં તે અન્ય વ્યકિતને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. પહેલા આવું થયું ન હતું. સંક્રમિત થવાનો સમય પહેલા ૧૦ મિનિટનો રહેતો હતો. હવે તે ૧ મિનિટનો જોવા મળી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં ૩૦-૪૦ વર્ષના યુવા સૌથી વધારે સંક્રમિત થઈ રહ્યા છે કેમકે તેમની આબાદી વધારે છે અને લોકો બહાર નીકળી રહ્યા છે.

હાલમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે એકસપર્ટનું કહેવું છે કે ઘરમાં એક વ્યકિત પોઝિટિવ થયા બાદ આખો પરિવાર સંક્રમિત થઈ રહ્યો છે. કેટલા પણ આઈસોલેટ થાઓ પણ સાથે રહેનારાનું બચવું મુશ્કેલ બની રહ્યું છે. આ માટે ડોકટર કહે છે કે પહેલા દર્દીને શ્વાસની તકલીફ વધારે જોવા મળતી હતી પણ હવે સ્કીન પર લાલ રેશિઝ જોવા મળે છે અને સાથે ઉલ્ટી અને ડાયરિયાની તકલીફ પણ જોવા મળી રહી છે. આ કોરોનાના લક્ષણથી અલગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

(10:51 am IST)