Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

હવે બે કરોડનું ટર્ન ઓવર ધરાવતા કરદાતાઓ ઓફલાઇન GST રિટર્ન ફાઇલ કરી શકશે

મુંબઇ, તા.૧૫: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસમાં ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં રૂ. ૨ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા કરદાતાઓએ ઓડીટ કરાવેલ હિસાબો માટેનું રિટર્ન તા.૩૦ જૂન સુધીમાં ફાઈલ કરવાના રહેશે. જીએસટીએન પોર્ટલ પર ઓડીટેડ હિસાબો માટેનું રિટર્ન ફાઈલ કરવા માટેના જીએસટી-૯ સીની યુટિલિટી અપલોડ કરવામાં આવી છે.

આ યુટિલિટી ઓફ લાઈન સ્વરુપે ઉપલબ્ધ થવાને લીધે કરદાતાઓને સરળતા રહેશે. આમ, કરદાતાઓએ ગત નાણાંકીય વર્ષના હિસાબો સી.એ., ટેકસ પ્રેકટીશનર્સ પાસે ઓડીટ કરાવ્યા પછી તા. ૩૦ જૂન સુધીમાં રિટર્ન ફાઈલ કરવાના રહેશે.

અગાઉ, અનઓડીટેડ હિસાબો માટેના રિટર્ન ફાઈલ કરવા માટેની તારીખ જાહેર કરી હતી. પરંતુ ઓડીટેડ હિસાબો માટેના રિટર્ન ફાઈલ કરવાની તારીખ જાહેર ન કરાઈ હોવાથી કરદાતાઓ અને ટેકસ પ્રેકટીશનર્સ અવઢવમાં હતા.

જીએસટીએન પોર્ટલ પર જીએસટી-૯ સીની યુટિલિટી અપલોડ કરાઈ છે. જેના લીધે રૂ. ૨ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતા કરદાતાઓના વાર્,કિ હિસાબોનું ઓડીટ કરાવીને ઓડીટ રીપોર્ટ અને વાર્ષિક પત્રક તા. ૩૦ જૂન, ૨૦૧૯ સુધીમાં ફાઈલ કરવાના રહેશે. આ રિટર્ન ઓન લાઈન અને ઓફ લાઈન પણ ફાઈલ કરી શકાશે.

એડવાન્સ રુલિંગ એપ્લીકેશન ફોર્મ, નિકાસકારોને રીફંડનું ફોર્મ, જોબવર્ક સંબંધિત વ્યવહારોના ફોર્મ, જીએસટીના તમામ રિટર્નની યુટિલિટી ઓફ લાઈન સ્વરુપે પણ પૂરી પાડવાને લીધે કરદાતાઓને વધુ સરળતા રહેશે.

(12:00 pm IST)