Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

જુથબંધી સામે આવી

અલવરમાં ઉમેદવાર અને પ્રધાનની હાજરીમાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે છૂટાહાથની મારામારી

અલવર તા. ૧પ :.. રાજસ્થાનના અલવર જીલ્લામાં કોંગ્રેસની જૂથ બાજી બરાબર સામે આવી છે. શનીવારે જીલ્લાના બહરોડ ગામમાં ચૂંટણી સભામાં કોંગ્રેસી ઉમેદવાર ભંવર જીતેન્દ્રસિંહ અને શ્રમ પ્રધાન ટીકારામ જૂલીની સામે પક્ષના બે જૂથો વચ્ચે મારા મારી થઇ હતી. પછીથી જીતેન્દ્રસિંહ અને ટીકારામ જૂલી સહિત બીજા ઉચ્ચ પદાધિકારીઓએ મહામુશ્કેલીએ આ મામલો શાંત કરાવ્યો હતો.

શનિવારે અલવર લોકસભા વિસ્તારના ઉમેદવાર ભંવર જીતેન્દ્રસિંહની બહરોડમાં ચંૂટણી સભા હતી. સભામાં બહરોડના ધારાસભ્ય બલજીત યાદવ ગુટ, અને યુવા કોંગ્રેસના નેતા સંજય યાદવના સમર્થકો વચ્ચે અંદરો અંદર જામી ગઇ હતી. યુથ કોંગ્રેસના નેતા સંજય યાદવના સમર્થકો ભંવર જીતેન્દ્રસિંહ જીંદાબાદ અને ધારાસભ્યના સમર્થકો બલજીત યાદવ જીંદાબાદના નારાઓ પોકારી રહ્યા હતાં. આ નારાબાજીના કારણે બન્ને જૂથો વચ્ચે ડખો થયો હતો.

જોતાજોતામાં મામલો એટલો વધી ગયો કે બન્ને જૂથના સમર્થકો એક બીજા સાથે મારા મારી કરવા લાગ્યા હતાં. બેય જૂથોએ મુક્કા લાત ચાલુ કર્યા હતાં. જેના કારણે સભાની પરિસ્થિત બગડી હતી. પરિસ્થિતિને વણસતી અટકાવવા વરિષ્ઠ નેતાઓએ જેમ જેમ કરીને મામલાને શાંત કર્યો હતો. જીતેન્દ્રસિંહ પોતે શાંતિની અપીલ કરતા જોવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અજમેરમાં ભાજપાની સભા દરમ્યાન પણ પક્ષના બે જૂથના લોકો અંદરો અંદર બાખડી પડયા હતાં. અને ત્યાં પણ મંચ ઉપર જ મુક્કા લાત વરસ્યા હતાં.

(11:56 am IST)