Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભારતીયોની પાન ખાઇને થૂંકવાની આદતથી યુકે પરેશાનઃ ગુજરાતીમાં ચેતવણી આપી

વિદેશમાં પણ નથી બદલાઇ ગુજરાતીઓની આદત

નવીદિલ્હી, તા.૧૫: ગુજરાતીમાં કહેવત છે, જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દુનિયાના મોટાભાગના દેશોમાં તમને ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ જોવા મળી જશે. તેમાં પણ યુકેમાં તો ગુજરાતીઓનો એક અલગ જ વિસ્તાર પણ છે. ગુજરાતીઓમાં મસાલો કે પાન-ગુટખા ખાવાની આદત વિશે તો સૌ કોઈ જાણે જ છે. મસાલો કે પાન-ગુટખા ખાધા બાદ તેને રસ્તા પર જયાં-ત્યાં થૂંકવું ભારતમાં સામાન્ય બાબત થઈ ગઈ છે. જોકે વિદેશમાં ગયા બાદ પણ ગુજરાતીઓની આ આદત બદલાઈ નથી જેના કારણે ત્યાંના લોકો પરેશાન થઈ ગયા છે.બ્રિટનમાં ભારતીયોની પાન ખાઈને થૂંકવાની આદતથી પરેશાન થઈને દ્યણા શહેરોએ દંડ કરવાની સજા શરૂ કરી છે. અહીં પણ ગુજરાતીઓની પાન ખાઈને થૂંકવાની આદતથી તેઓ એટલા બધા પરેશાન થઈ ગયા છે કે અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં સાઈન બોર્ડ લગાવવા પડી રહ્યા છે.

યુકેના લાઈસેસ્ટરશાયર શહેરમાં બેલ્ગ્રેવ રોડ અને મેલ્ટન રોડ પર મોટાભાગના ભારતીય સમુદાયના લોકો વસે છે. અહીં ગુજરાતીમાં સાઈન બોર્ડની તસવીર હાલ વાઈરલ થઈ રહી છે. આ સાઈન બોર્ડમાં લખ્યું છે, પાન ખાઈને સ્ટ્રીટમાં થૂંકવું એ આરોગ્ય માટે નુકસાનકારક અને અસામાજીક છે, આપને દંડ થઈ શકે છે. ૧૫૦ પાઉન્ડ (અંદાજિત ૧૩૦૦૦ રૂપિયા).

આ ફોટોમાં નીચે લાઈસિસ્ટરશાયર પોલીસ અને લેસિસ્ટર શહેર કાઉન્સિલ લખેલું છે. હાલમાં આ ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે, જે બાદ લોકોનું ધ્યાન તેના તરફ આકર્ષિત થયું છે.

(11:53 am IST)