Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લોકસભા ચૂંટણી કાઉન્ટ ડાઉન

હિન્દુઓને પ્રભાવિત કરવા સાક્ષી મહારાજ, સાધ્વીને જવાબદારી

ઉમા ભારતી, મુરલી મનોહર જોશી રેસમાં નથી : હિન્દુ મતદારોને જાળવી રાખવા બુંદેલખંડ તેમજ અવધમાં સાક્ષી મહારાજ અને નિરંજન જ્યોતિને મોટી જવાબદારી

ફતેપુર,તા. ૧૪ : ઉત્તરપ્રદેશમાં ૧૯૯૨ના રામ મંદિર આંદોલન વેળા પાર્ટી તરફથી જોરદાર ઝુંબેશ ચલાવી ચુકેલા દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી હવે લોકસભા ચૂંટણીની રેસમાં નથી. આવી સ્થિતિમાં હવે હિન્દુ મતદારોને પાર્ટીની સાથે જાળવી રાખવાની મુખ્ય જવાબદારી ઉત્તરપ્રદેશમાં સાક્ષી મહારાજ અને સાધ્વી નિરંજન જ્યોતિ ઉપર આવી ગઈ છે. કારણ કે, આ બંને નેતા પણ રામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા રહ્યા છે. રામ મંદિર આંદોલનના હિસ્સા તરીકે રહ્યા છે. બુંદેલખંડ અને અવધ ક્ષેત્રમાં આ વખતે ભાજપ માટે હિન્દુ મતદારોને જાળવી રાખવાની જવાબદારી સાક્ષી મહારાજ અને નિરંજન જ્યોતિ ઉપર કેન્દ્રિત થઇ છે. અલબત્ત પાર્ટીની અંદર આ બાબતને લઇને વિભાજનની સ્થિતિ છે કે, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની જેમ આ લોકો પાર્ટીને એવી ઉંચાઈ પર લઇ જવામાં સફળ રહેશે કે કેમ. ચોથા અને પાંચમાં તબક્કામાં આ બંને ક્ષેત્રોમાં વિપક્ષ તરફથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ડિમ્પલ યાદવ જેવા મજબૂત દાવેદાર દેખાઇ રહ્યા છે. સાધ્વી પોતાના ભાષણમાં હિન્દુત્વના મુદ્દાને સતત ઉઠાવતા રહ્યા છે. સાધ્વીએ હાલમાં જ કહ્યું હતું કે, આતંકવાદી ક્યારે પણ હિન્દુ હોઈ શકે નહીં જે હિન્દુ છે તે ક્યારેય આતંકવાદી રહેશે નહીં. વર્ષ ૨૦૦૨માં હમીરપુરમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ સાધ્વીની સામે કોઇપણ કેસ દાખલ નથી જ્યારે સાક્ષી મહારાજ પર મતદારોને ધમકી આપવાનો આક્ષેપ થઇ ચુક્યો છે. મુરલી મનોહર જોશી બ્રાહ્મણ સમાજના છે જ્યારે સાધ્વી અને સાક્ષી મહારાજ ઓબીસીની સાથે સાથે કટ્ટર હિન્દુત્વની છાપના લીધે ૨૦૧૪થી ૨૦૧૭માં ભાજપની સ્થિતિ મજબૂત થઇ છે. આજ કારણસર પ્રિયંકા ગાંધીએ રણનીતિ હેઠળ જ ચૂંટણી પ્રચારની શરૂઆત બુંદેલખંડથી કરવાની હાથ ધરી છે. એકબાજુ સપા અને બસપા જાતિ સમીકરણો ઉપર ભાર મુકી રહ્યા છે જ્યારે બીજી બાજુ ભાજપ આ ક્ષેત્રમાં સાધ્વી અને સાક્ષી ઉપર વધારે આધારિત છે. અનેક નવા પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. બુંદેલખંડમાં ઉમા ભારતીની જગ્યાએ અનુરાગ શર્મા ઉપર ભાજપ મુખ્ય ભાર મુક્યો છે. અનુરાગ શર્મા મારફતે ભાજપે અલગ પ્રકારની રાજનીતિને આગળ વધારવાની તૈયારી હાથ ધરી છે. ભાજપના સુત્રોના કહેવા મુજબ સાક્ષી મહારાજ અને સાધ્વીનો ઉપયોગ સાતમાં તબક્કામાંહિન્દુ મતદારોને પ્રભાવિત કરવા માટે કરવામાં આવશે. સાક્ષી મહારાજ અગાઉ પણ કહી ચુક્યા છે કે, હિન્દુત્વના મતો તેમના માટે સૌથી ઉપયોગી છે.

(12:00 am IST)