Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

હવે ભાજપને બરોબરની ટક્કર આપવા રાહુલે ધડયો છે ‘‘સિક્રેટપ્‍લાન''

નવી દિલ્‍હી : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ભાજપને ટક્કર આપવા રાહુલ ગાંધી ભારે મહેનત કરી રહ્યા છે. તેઓએ એક સિક્રેટ પ્‍લાન પણ ઘડયો છે.

જેમાં રાહુલ ગાંધી સિક્રેટ ટેલેન્ટ હંટના માધ્યમથી કોંગ્રેસના યુવા નેતાઓની શોધ કરી રહ્યા છે. દેશની સૌથી જૂની પાર્ટી યુવા નેતાઓની શોધ કરી રહ્યું છે જે પક્ષની અંદર જવાબદારી નિભાવી શકે. આ અંગે પક્ષના એક નેતાએ કહ્યું છે કે આ નિર્ણય રાહુલ ગાંધીએ ખુદ લીધો છે. આ રણનીતિના આધારે પક્ષ અલગ અલગ રાજ્યોમાં ફરીથી એકવાર મજબુત સ્થિતિમાં આવી શકે.

કોંગ્રેસના એક નેતાના જણાવ્યા અનુસાર સિક્રેટ ટેલેન્ટ હન્ટના માધ્યમથી યુવા નેતાને શોધવાની શરૂઆત થઈ ચુકી છે. જેમાં પાર્ટીના તમામ નેતા અને પદાધિકારીઓ રાજ્યોની મુલાકાત લેશે જે રાજ્યોમાં કોંગ્રેસની હાલત નબળી છે. તેમજ ટેલેન્ટ સર્ચ માટે જે ટીમ બનાવવામાં આવી છે તેના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે તેમાં સ્થાનિક નેતાઓને દુર રાખવામાં આવશે, તેમજ હાલના સંજોગોમાં પક્ષ કેટલાંક નેતાઓ પર ભરોશો મૂકી શકે તેમ છે તેમાં કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ ,હિમાચલના પ્રદેશ પૂર્વ સીએમ વીરભદ્રસિંહ, મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ છે. આ તમામ નેતા પર કોંગ્રેસ હાલ ભરોશો કાયમ રાખવા માંગે છે.

આ ઉપરાંત કોંગ્રેસ અન્ય રાજ્યોમાં યુવા નેતાઓની શોધ માટે આ પ્રોજેક્ટને ગંભીરતાથી લઈ રહ્યું છે.

(4:46 pm IST)