Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કોમન વેલ્‍થ ગેમ સમિટમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો માભો : તેમને ‘લિમો' કાર ફાળવાઇ જયારે અન્‍ય દેશના વડાઓને સાદી ગાડી ફાળવાઇ : ભારત દેશ માટે ગૌરવરૂપ ઘટના

લંડન : આપણા વ ડા પ્રધાન નરેન્‍દ્રભાઇને દરેક દેશમાં પુરતુ માન-પાન અને આદર મળે તે દેશ માટે ગૌરવની વાત છે.

લંડનઃ આગામી સોમવારથી શરુ થનારી કોમનવેલ્થ દેશોની સમિટમાં 52 દેશોના વડાઓ પૈકી વડાપ્રધાન મોદી એકમાત્ર એવા નેતા હશે જેના માટે બ્રિટન સરકાર ખાસ અલાયદી લિમોઝિન કાર ફાળવશે. બાકી અન્ય તમામ નેતાઓ માટે જનરલ કોચ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત પીએમ મોદી એક માત્ર એવા નેતા હશે જેની સાથે યુકેના વડાપ્રધાન થેરેસા મે દ્વિપક્ષીય બેઠક યોજશે.

લંડનમાં યોજાનાર કોમનવેલ્થ સમિટમાં 52 દેશો પૈકી ભારતના વડાપ્રધાન માટે ખાસ સુવિધાના પગલે વિશ્વના ટોચના રાજકીય પંડિતો માની રહ્યા છે કે આવનારા દિવસોમાં વૈશ્વિકસ્તરે ભારતનું મહત્વ વજનદાર રહેશે. તો આ સાથે જ સમગ્ર સમિટના કાર્યક્રમથી વાકેફ એક સૂત્રે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી એ ત્રણ રાજનેતાઓ પૈકી એક છે જેની સાથે બકિંગહામ પેલેસ ખાતે ક્વીન અંગત મીટિંગ પણ યોજશે. વર્ષ 2009 બાદ પહેલા ભારતીય વડાપ્રધાન હશે જે કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા માટે જશે.

સૂત્રોએ કહ્યું કે, ‘મોદીને મળી રહેલું મહત્વ કોઈપણ કોમનવેલ્થ રાષ્ટ્રના વડા માટે અભૂતપૂર્વ છે. યુકેના PM થેરેસા મે સાથે મોદીને દ્વિપક્ષીય બેઠક જ નથી તે બાદ PM થેરેસા મે વડાપ્રધાન મોદીના સ્વાગતમાં ખાસ કાર્યક્રમની પણ યજમાની કરવાના છે. તેમજ ક્વીન એલિઝાબેથનો આ છેલ્લો કોમનવેલ્થ હોઈ કાર્યક્રમનું મહત્વ આપમેળે જ વધી જાય છે.

આ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન હાજર નથી રહેવાના પરંતુ તેના રાષ્ટ્રપતિ મનૂન હુસૈન હાજર રહેશે. વડાપ્રધાન મોદી 18મી એપ્રિલના રોજ સમગ્ર દિવસ દરમિયાન બીજા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષી બેઠક કરશે અને ત્યાર બાદં પ્રિન્સ ચાર્લ્સ દ્વારા તેમના માનમાં રાખવામાં આવેલ ખાસ ટેક શોમાં ભાગ લેવા જશે. આ ટેક શો ઇવેન્ટ દ્વારા ભારત-યૂકેના ટેક્નિકલ કોલોબ્રેશનને હાઈલાઇટ કરવામં આવશે. આ સાથે જ કાર્યક્રમના સ્થળે પ્રિન્સ ચાર્લ્સ ભારતીય કંપની ટાટા જેગુઆરની ઇલેક્ટ્રિક કારમાં બેસીને આવશે.

લંડન ખાતે 17મી એપ્રિલે પહોંચનારા વડાપ્રધાન મોદી યુકેમાં આગવા અને પોતાની રીતનું પ્રથમ આયુર્વેદ સેન્ટર શરુ કરવા માટે MOU સાઇન કરશે. આ આયુર્વેદ સેન્ટર યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે શરુ કરવામાં આવનાર છે. જેમાં ભારતીય પરંપરાગત ઔષધો, આયુર્વેદ અને યોગ દ્વારા રોગના ઇલાજ માટે પુરાવા આધારીત રીસર્ચ કરવામાં આવશે.

તેમજ 18 એપ્રિલની સાંજે થેરેસા મે દ્વારા આયોજીત ખાસ ભોજન સમારંભમાં મોદી હાજરી હશે. અને ત્યારબાદ 19 એપ્રિલના રોજ ક્વીન સાથે ખાસ મુલાકાત માટે બકિંગહામ પેલેસ જશે. 20 એપ્રિલના રોજ તમામ કોમનવેલ્થ રાષ્ટ્રોના વડાઓ માટે યોજવામાં આવેલ રીટ્રીટ સેરેમનીમાં ભાગ લેવા માટે વિંડસોર કાસલ જશે. આ દરમિયાન તમામ રાષ્ટ્રો કોમનવેલ્થના ભવિષ્ય અંગે પણ ચર્ચા કરસે કેમ કે સૂત્રોના જણાવ્યા મુજબ એવી ચર્ચા છે કે કોમનવેલ્થનું ગઠન જે માટે કરવામાં આવ્યું હતું તે આશય પાર પાડવામાં સંગઠન સફળ સાબિત થયું નથી. પીએમ મોદીની આ બ્રિટન મુલાકાતનો કેટલાક ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(4:31 pm IST)