Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

યુપી સરકારના વકફ અને હજ મંત્રી મોહસીન રઝાનું મોટુ નિવેદન : હું હિન્‍દુ છુ કારણ કે હિન્‍દુસ્‍તાનમાં રહુ છું: નિવેદન બાદ ભારત માતા કી જયના નારા પણ લગાવ્‍યા

શાહપુર : યુપી સરકારના વકફ અને હજ મંત્રી મોહ‌સીન રઝાનું મોટુ નિવેદન સામે આવ્‍યું છે. તેમણે જણાવ્‍યું હતું કે હું હિન્‍દુ છુ, કારણ કે હિંદુસ્‍તાનમાં રહછું છું. આ નિવેદન પછી તેમણે ભારત માતાકી જયના નારા પણ લગાવ્‍યા હતા.

 સપાના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાન માટે બોલતા તેમણે કહ્યું કે તેમનું પણ હ્રદય પરિવર્તન થઈ રહ્યું છે. રઝાની વાત માનીએ તો ભાજપને લઈને આઝમ ખાનનનો મત બદલાઈ રહ્યો છે અને તેમનું હ્રદય પરિવર્તન થઈ રહ્યું છે. આઝમ ખાનના હ્રદય પરિવર્તનના કારણને લઈને મોહસિન રઝાએ કહ્યું કે આવનારા સમયમાં તેમની સાથે ઘણુબધુ થવાનું છે. આથી તેમનો દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. હજ મંત્રીના નિવેદનને CBI તપાસ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. અહીં તેઓ આંબેડકર જયંતીના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં.

જૌહર યુનિવર્સિટીના વિવાદ બાદ ગત દિવસોમાં આઝમ ખાનના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ રામપુર CJM કોર્ટના આદેશ પર પોલીસે દગાબાજીનો કેસ દાખલ કર્યો હતો. અબ્દુલ્લા પર 2017 વિધાનસભા ચૂંટણીમાં નકલી પ્રમાણ પત્રના આધારે ઉમેદવારી પત્ર ભરવાનો આરોપ છે. તેઓ સ્વાર-ટાંડ વિધાનસભા બેઠકથી સપાના ઉમેદવાર હતા અને જીત્યા હતાં. બસપા ઉમેદવાર નવાબ કાઝમીએ અબ્દુલ્લાની ફરિયાદ સ્થાનિક CJM કોર્ટમાં કરી હતી.

ઉપરાંત જૌહર યુનિવર્સિટીને લઈને પણ આઝમ ખાનની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. તેમના પર આરોપ છે કે સપાના શાસનકાળ દરમિયાન તેમણે નિયમો નેવે મૂકીને ગેરકાયદેસર રીતે અતિક્રમણ કર્યુ હતું. ફરિયાદ બાદ મહેસૂલ પરિષદે જૌહર યુનિવર્સિટી માટે ચકરોડ અને ગ્રામ સમાજની જમીન લેવા મામલે આઝમ ખાન વિરુદ્ધ ચાર કેસ ચલાવવાની મંજૂરી આપી છે. મામલાની સુનાવણી 17 એપ્રિલે થવાની છે.

મોહસિન રઝા ગત દિવસોમાં હનુમાન જયંતીના અવસરે લખનઉના અલીગંજ સ્થિત હનુમાન મંદિરે પણ ગયા હતાં. તેમની સાથે તેમના બાળકો પણ હતાં. મંદિરમાં મોહસિન અને તેમના બાળકોએ રામ નામ લખેલી સિંદુરી ચૂંદડી પણ પોતાના શરીર પર ધારણ કરી અને માથે સિંદુરનો ટીકો કર્યો હતો. મંદિરમાં મોહસિને રામભક્ત હનુમાનની પૂજા અર્ચના કરી અને તેમને ભોગ પણ લગાવ્યો. ત્યારબાદ ભોગને મંત્રીએ મંદિરમાં હાજર બાળકોમાં વિતરણ કરી દીધો તથા તમામ લોકોને હનુમાન જયંતીની શુભેચ્છાઓ  પાઠવી હતી.

કહેવાય છે કે અલીગંજના મંદિરને અવધના નવાબ વાજિદ અલી શાહની માતા આલિયા બેગમે બનાવડાવ્યું હતું. મોહસન રઝા યોગી સરકારમાં એકમાત્ર મુસ્લિમ મંત્રી છે અને તેઓ અલ્પસંખ્યક મામલાઓના મંત્રી છે. તેમણે કહ્યું કે મંદિર તેમના પૂર્વજોએ બનાવેલું હતું અને વાત પર તેમને ગર્વ છે કે તેમણે હિન્દુ-મુસ્લિમ સૌહાર્દ માટે એક મોટી પહેલ કરી હતી.

(12:00 am IST)