Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

હૈદરાબાદમાં ઓનલાઇન ઇન્‍કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે સિટી કોલેજના યુવા પ્રોફેસરને ૧ લાખનો ચુનો લાગ્યો

હૈદરાબાદઃ ઇન્‍કમટેક્સ રિટર્ન ઓનલાઇન ફાઇલ કરતી વખતે કોલેજના અેક પ્રોફેસરને ૧ લાખ રૂપિયાનો ચુનો લાગતા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે પાસ હાથ ધરી છે.

રચકોંડા સાઇબર ક્રાઇમ પોલીસે જણાવ્યા મુજબ પ્રોફેસરને એક ફિશિંગ ઇ-મેઇલ આવ્યો હતો જેમાં એક લિંક પર ક્લિક કરી આઇટી રિટર્ન ભરવા માટે કહેવામા આવ્યું હતું. આ લિંક તેમને IT રિટર્નની ઑફિશિયલ હોમપેજ જેવી જ ફેક વેબસાઇટ પર લઇ ગઇ.

આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર એસ. હરિનાથે કહ્યું કે, “આ વર્ષનું આઇટી રિટર્ન 31મી જૂલાઇ સુધીમાં ભરવાનું હોવાથી આગામી દિવસોમાં આવા વધુ કેસ સામે આવી શકે છે. ઘટનાનો ભોગ બનેલા પ્રોફેસર ઉપરાંત તેમના સહઅધ્યાપકોને પણ આવો જ એક મેઇલ મળ્યો છે. આ બાબતે અમને ફરિયાદ પણ મળી રહી છે.

તાજેતરમાં રચકોંડા સાઇબર ક્રાઇમની બ્રાન્ચમાં આવા પ્રકારના સાઇબર ક્રાઇમની કુલ 45 FIR નોંધાઇ છે. જાન્યુઆરી સુધીમાં આવી 500 જેટલી મૌખિક અરજીઓ મળી હતી. મોટાભાગના કિસ્સાઓમાં રકમ નાની હોવાથી ફરિયાદ નથી નોંધાવવામાં આવતી. માત્ર લાખોમાં ઠગાઇ થઇ હોય ત્યારે જ મોટાભાગના લોકો ફરિયાદ નોંધાવવા માટે આવે છે.

એસ. હરિનાથે કહ્યું કે, “કોઇપણ આવી વેબસાઇટ પર પેમેન્ટ કરતા પહેલાં લોકોએ URL ખાસ ચેક કરવી જોઇએ. જે-તે વેબસાઇટનું હોમપેજ કેવું દેખાતું હોય તે આપણને ખબર હોય છે તેવામાં આપણે યૂઆરએલ ચેક નથી કરતા હોતા. એવી કેટલીક વેબસાઇટ છે જે જેની ડિઝાઇન ઓરિજનલ વેબસાઇટ જેવી જ હોય, પણ URL અલગ હશે.માત્ર આઇટી રિટર્ની વેબસાઇટ પર જ નહીં પણ શોપિંગ સાઇટ મારફતે પણ ફિશિંગ અટેક કરીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે.

(6:31 pm IST)