Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ભાજપનો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની તમામ ૮૦ સીટો જીતવાનો પ્લાનઃ અમિતભાઇ શાહે તૈયારી શરૂ કરી

નવી દિલ્હીઃ ૨૦૧૯માં આવનાર લોકસભાની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને ટક્કર આપીને ઉત્તર પ્રદેશની તમામ ૮૦ સીટો જીતવા માટે ભાજપના રાષ્‍ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે પ્લાન બનાવ્યો છે.

2014માં લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં અખિલેશ યાદવની સરકાર હોવા છતાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એવુ પ્લાનિંગ કર્યું હતું કે બીજેપીએ સહયોગ પક્ષો સાથે મળીને 73 સીટ પર જીત મેળવી હતી. 

સુત્રોનું કહેવું છે કે બે દિવસ પહેલાં લખનૌમાં અમિત શાહે પાર્ટીના નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું હતું કે આ વખતે ભલે મજબૂત વિપક્ષનો સામનો કરવો પડે પણ આપણે ગભરાવાની જરૂર નથી. તેમણે પાર્ટી નેતાઓને કહ્યું છે કે ગયા વખતે આપણે વિપક્ષમાં હતા પણ આ વખતે સત્તામાં છીએ. જો આપણે સરકારના કામને જનતા સુધી પહોંચાડવામાં સફળ રહેશું તો ગયા વખત કરતા પણ સારું પ્રદર્શન કરી શકીશું. 

મળતી માહિતી પ્રમાણે અમિત શાહે એવી તૈયારી કરી છે કે સપા, બસપા અને કોંગ્રેસનું જોડાણ સ્થાયી ન થઈ શકે. આ માટે ક્ષેત્રવાર સંમેલનની યોજના બની રહી છે. 2017માં ઉત્તરપ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન અમિત શાહે આખા પ્રદેશને છ વિભાગમાં વહેંચી દીધો હતો. આ પછી તેમણે બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે અનેક બેઠક કરી હતી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પણ અમિત શાહ આ ફોર્મ્યુલાને અજમાવાની તૈયારી કરી રહ્યા છે. 

બીજેપી આંબેડકર જયંતિના બહાને 14 એપ્રિલથી પાંચ મે સુધી આખા રાજ્યમાં અભિયાન ચલાવીને લોકોને પક્ષ સાથે જોડવાનો પ્રયાસ કરશે. આ અભિયાનને સફળ બનાવવાની જવાબદારી સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ તેમજ સંગઠન અધિકારીઓને સોંપવામાં આવી છે. બીજેપીના ધારાસભ્યોને તેમના ક્ષેત્રના સો મહત્વના લોકોની યાદી બનાવવાનું કહેવામાં આ્વ્યું છે. આયોજન પ્રમાણે આ ખાસ લોકોને સરકારના મંત્રીઓ તેમજ સાંસદો દ્વારા મહત્વ આપવામાં આવશે. આમાંથી કેટલાક લોકોનો સંગઠન તેમજ સરકારમાં સમાવેશ પણ કરી શકાય છે. આમ, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી તડામાર તૈયારી કરી રહી છે. 

(6:24 pm IST)