Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ત્રણ મૂલ્યો— સમાનતા, બંધુતા અને લોકતંત્રને ગાંધીના 'લાડકા'એ જીવનમાં ઉતારી દીધા હતા

મહાત્મા ગાંધીનો 'બાબલો' એટલે નારાયણ દેસાઇ, ગાંધીને જોડતી આખરી જીવિત કડી હતા : ૨૦૦૨ના કોમી તોફાનોથી વ્યથિત થઇ ગાંધીકથા શરૂ કરી દેશમાં સદ્દભાવનાનો સંચાર કર્યો : સ્કૂલે ગયા નથી છતાં અંગ્રેજી, બાંગ્લા, ઉડિયા, મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી પર પ્રભુત્વ

ગાંધીજીના હનુમાન અને ગણેશ તરીકે જાણીતા અંગત સચિવ મહાદેવ દેસાઇના પુત્ર, ગાંધીજીનો બાબલો અને પ્રસિદ્ઘ ગાંધીવાદી ચિંતક નારાયણ દેસાઇની આજે પુણ્યતિથિ છે. જન્મભૂમિ વલસાડ અને કર્મભૂમિ ગાંધી વિચારનો ફેલાવો એટલે કે આખું જગત મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણથી અત્યંત પ્રભાવિત થયેલા નારાયણ દેસાઇનો ઉછેર અને વિકાસ અમદાવાદના ગાંધીઆશ્રમ અને સેવાગ્રામથી થયો હતો. તેઓ ગાંધીને જોડતી આખરી જીવિત કડી સમાન હતા. નારાયણ દેસાઇએ ૨૦૦૨ની રમખાણોથી વ્યથિત થઇને ગાંધીકથા પ્રસારિત કરી હતી. તેમણે ૧૧૮ જેટલી ગાંધીકથાઓ કરી છે. સપ્તાહમાં પ્રતિદિન ત્રણ કલાક સુધી ગાંધીકથા કરતા હતા. ગાંધીકથા દ્વારા તેઓ હિન્દુ અને મુસ્લિમ સમુદાયને નજીક લાવ્યા હતા. તેમણે ગાંધીજીનું જીવન ગુજરાતી ભાષામાં ચાર ખંડોમાં લખ્યું છે. દક્ષિણ ગુજરાતના વેદછીમાં તેમણે એક આશ્રમ બનાવ્યો હતો અને તેઓ ત્યાં રહેતા હતા. કહેવાય છે કે નારાયણ દેસાઇએ કયારેય સ્કૂલ કે કોલેજ જોઇ નથી છતાં તેઓ અંગ્રેજી, બાંગલા, ઉડિયા, મરાઠી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી ભાષા સમાન અધિકારથી ઉપયોગ કરતા હતા.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ રહ્યાં હતા...

મહાદેવ દેસાઇનું નામ અને કામ શિક્ષણ, કાંતણ, નવી તાલીમ, સર્વોદય, ભૂદાન, આંદોલન, ગાંધીકથા, ગ્રામ સ્વરાજય અને લોકતાંત્રિત સંસ્થાઓ સાથે જોડાયેલું રહ્યું છે. આઝાદી પછી કહેવાતા ગાંધીવાદી સત્તાધીન થયાં ત્યારે તેમણે જુગતરામ દવેના પગલે દક્ષિણ ગુજરાતના વેડછીને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ગાંધીવાદી ચિંતકોની માફક નારાયણ દેસાઇએ પણ ગીતો, નાટક, ચરિત્ર્ય અને અનુવાદો થકી ગાંધીવિચારને ધબકતો રાખ્યો હતો.પાવન પસંગો,જયપ્રકાશ નારાયણ,સામ્યયોગી વિનોબા, સોનાર બાંગ્લા, અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ અને મારું જીવન એજ મારી વાણી એ તેમની જાણીતી કૃતિઓ છે. રણજીતરામ પુરસ્કાર,સાહિત્ય અકાદમી પુરસ્કાર,જમનાલાલ બજાજ એવોર્ડ અને મૂર્તિદેવી પુરસ્કાર જેવા અનેક પુરસ્કારોથી તેઓ સન્માનિત થયા હતા.નારાયણ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ રહ્યા હતા.

દેશમાં કટોકટીના વિરોધમાં પત્રિકાનું સંપાદન...

ઇઝરાયલના પ્રવાસ દરમ્યાન તેમને એક વિદ્યાર્થીની એ પૂછ્યું હતું કે— તમે ગાંધીજીને જોયા છે ત્યારે તેમણે ઉત્ત્।ર આપ્યો હતો કે હું ગાંધીજીને જોઉં તે પહેલાં એમણે મને જોયો હતો. ભૂદાન આંદોલન અને સંપૂર્ણ ક્રાન્તિ આંદોલન જેવા રાષ્ટ્રીય આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યાં હતા.કોમી તોફાનોના સમયમાં તેમણે શાંતિ સેનાનું ગઠન કર્યું હતું. તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સાહિત્ય લેખન કર્યું હતું. કટોકટીના સમયમાં તાનાશાહી સામે તેમણે અનેક પત્રિકાઓનું સંપાદન કર્યું હતું. બિહાર આંદોલનમાં સક્રિયતાના કારણે તત્કાલિન રાજય સરકારે તેમને બિહારમાંથી કાઢી મૂકયા હતા. તેમણે યુદ્ઘ વિરોધી આંતરરાષ્ટ્રીય આંદોલનોમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમના પરિવારમાં પુત્રી સંઘમિત્રા, પુત્ર નચિકેતા અને અફલાતૂન દેસાઇ છે. નારાયણ દેસાઇના પત્ની ઉત્ત્।રાનું દેહાવસાન અગાઉ થઇ ચૂકયું હતું.

ગાંધીઆશ્રમ અને સેવાશ્રમમાં મોટા થયા હતા

મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી અને જીવન વૃત્ત્।ાંત લેખક મહાદેવ દેસાઇના પુત્ર નારાયણ દેસાઇનો જન્મ ૨૪જ્રાક ડિસેમ્બર ૧૯૨૪ના રોડ વલસાડમાં થયો હતો પરંતુ તેઓ ગાંધીજીના સાબરમતી આશ્રમ અને વર્ધા નજીકના સેવાગ્રામ આશ્રમમમાં મોટા થયા હતા. તેઓ એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં રોકાયા હતા અને ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા. તેઓ ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્રી ઉત્ત્।રા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી સુરતથી ૬૦ કિલોમીટર દૂર આવેલા વેડછીમાં સ્થાયિ થઇ હતી જયાં તેમણે નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું હતું. વિનોબા ભાવે દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ભૂમિપુત્ર શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરી

નારાયણ દેસાઇ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા હતા. શાંતિ સેનાના જનરલ સેક્રટરી તરીકે તેમણે સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા હતા. પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો. તેઓ ભારતમાં કટોકટી લાદવાના વિરોધમાં સક્રિય હતા અને કટોકટીના કાયદાઓના વિરોધમાં સામયિકની શરૂઆત કરી હતી. જયપ્રકાશ નારાયણના સાથી તરીકે તેમણે જનતા પાર્ટીની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, જે પ્રથમ મોટા બિન-કોંગ્રેસી પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેમણે વડા પ્રધાન તરીકે મોરારજી દેસાઇનું નામ પસંદ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો.

મહાદેવ પછી નારાયણ ગાંધીની કાંખમાં હતા

કહેવાય છે કે કોઇને વ્યાજ ગમતું નથી પરંતુ મુદ્દલ કરતાં વ્યાજ વહાલું હોય એ ન્યાયે મહાદેવ દેસાઇના પુત્ર નારાયણ ગાંધીજી માટે લાડકા હતા. ગાંધીજી તેમને બાબલો કહેતા હતા એટલે ગાંધીજીના ખોળામાં બેસવાનો તેમને અધિકાર હતો. બાબલો સ્વતંત્ર મિજાજનો તરૂણ હતો એટલે કોઇ પૂછવાની હિંમત ના કરે તેવા સવાલો પૂછવાનો તેમને અધિકાર હતો. ૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પેલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ગાંધીજીને આગાખાન પેલેસમાંથી છોડવામાં આવ્યા તે પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવ દેસાઇના અવસાન પછી ગાંધીજીની કાંખમાં નારાયણ હતા અને યુવાન નારાયણ એ યાતનાના સાક્ષી હતા.

સ્કૂલમાં નહીં ભણવાનો મક્કમ નિર્ણય કર્યો હતો

જીવનચરિત્ર કેવું હોવું જોઈએ એનું જો કોઇ ઉદાહરણ આપવું હોય તો નારાયણ એ તેમના પિતા મહાદેવ દેસાઇનું લખેલું ચરિત્ર 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'વાંચવું જોઈએ. તેમને સાહિત્ય માટેના રણજિતરામ સુવર્ણચન્દ્રક, મધ્યસ્થ અકાદમી અવોર્ડ વગેરે ઇલકાબો તો મળ્યા છે, પરંતુ ગુજરાતના સારસ્વતોએ સર્વાનુમતે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટયા હતા. મહાદેવ અને નારાયણ એવી એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમને બન્નેને મધ્યસ્થ સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. નારાયણ સક્ષમ અને સ્વાવલંબી સાક્ષર હતા. પિતાના તરફથી સાક્ષર થવાના ગુણો તો મળ્યા હતા તેથી વધુ તેમને ઉત્ત્।મ વાતાવરણ મળ્યું હતું જેમાં તેઓ ઘડાયા હતા. ૧૧ વર્ષની વયે સ્કૂલમાં નહીં ભણવાનો સ્વયં નિર્ણય લેનારૃં બાળક સામાન્ય ગણાય નહીં. મહાદેવ દેસાઇ સ્વશિક્ષણનું એક દ્રષ્ટાંત છે. સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં શરૂઆતનું જીવન ખાદી અપનાવવાના કારણે જીવનમાં સાદાઇ આપમેળે પ્રવેશી હતી. છ વર્ષની ઉંમરે આરંભાયેલી કાંતણયાત્રા છેલ્લી માંદગા ત્રણ મહિનામાં અટકી હતી. સમાનતા, બંધુતા અને લોકતંત્ર એવા ત્રણ મૂલ્યો પ્રત્યેની તેમની નિસ્બત મૃત્યુપર્યંત રહી હતી. આ મૂલ્યો દેશના બંધારણમાં ટંકાયેલા છે.

દેશભરમાં ગાંધીકથા કરી જીવનનો સંદેશો ફેલાવ્યો.

જયપ્રકાશ નારાયણના મૃત્યુ પછી તેઓ વેડછી ખાતે સ્થાયી થયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થા અહિંસા અને ગાંધી જીવનશૈલીની તાલીમ આપતી હતી. તેમણે પોતાના પિતા મહાદેવ દેસાઇને શ્રદ્ઘાંજલિ આપતું ગાંધીજીનું જીવનવૃત્ત્।ાંત ચાર ભાગોમાં લખ્યું છે, જે તેમના પિતાનું સ્વપ્ન હતું અને જેલમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અવસાન થવાથી અધૂરું રહ્યું હતું. ૨૦૦૪થી તેમણે 'ગાંધી-કથા' (મહાત્મા ગાંધીના જીવનનાં પ્રસંગોનું વર્ણન) કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી હતી. ગાંધીજીનું જીવનવૃત્ત્।ાંત ચાર ભાગોમાં ૨૦૦૦ પાનાંઓમાં લખાયેલું છે. ગાંધીજીનું જીવનવૃત્ત્।ાંત પૂર્ણ કર્યા પછી તેમણે વિચાર્યું કે બહુ જૂજ લોકો આ પુસ્તક તેના કદ અને ઉંચી કિંમતને કારણે વાંચશે તેથી તેમણે ગાંધીજીનો સંદેશ લોકોમાં પહોંચડાવા માટે નવીન વિચાર રજૂ કર્યો. તેમણે ગાંધી કથાની શરૂઆત કરી. રામાયણ અને ભાગવત કથાની જેમ તેમણે ગાંધી કથા કહી છે. સાત દિવસના ત્રણ કલાકો સુધી તેમણે ગાંધીજીના જીવન અને વિચારો રજૂ કર્યા છે. તેમણે કથા દરમિયાન તેમના દ્વારા લખાયેલા ગીતો પણ ગાયા છે. તેમની કથા પ્રેક્ષકો પર આધારિત રહેતી હતી. કેટલીક કથાઓમાં તેઓ ગાંધીજીની રાજકારણ પ્રવૃત્ત્િ।ઓ વિશે કહેતા હતા અને અધિકારીને તેઓ ગાંધીજીના નેતૃત્વ સંચાલનના ગુણો વિશે કહેતા હતા. આ કથા દ્વારા લોકોમાં પ્રવર્તતી ગાંધીજી વિશેની કેટલીય ગેરસમજ દૂર થઇ છે. તેમણે ગાંધીજીના જીવન વિશે કેટલાય અપ્રકાશિત અને ન જાણીતાં પ્રસંગો રજૂ કર્યા છે. આ કથા ભારત અને વિદેશમાં અત્યંત લોકપ્રિય બની હતી. નોંધવુ જરૂરી છે કે તેમણે કથાની શરૂઆત કરી ત્યારે તેમની વય ૮૧ વર્ષની હતી.

સોનાર બાંગ્લા સહિત અનેક પુસ્તકોના સ્વામી...

પાવન પ્રસંગો (૧૯૫૨) અને જયપ્રકાશ નારાયણ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ગાંધી કયાંક હશે એ ભારતમાં ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. સામ્યયોગી વિનોબા (૧૯૫૩), ભૂદાન આરોહણ (૧૯૫૬), મા ધરતીને ખોળે (૧૯૫૬), શાંતિસેના (૧૯૬૬), સંત સેવતાં સુકૃત વાધે (૧૯૬૭), સર્વોદય શું છે? (૧૯૬૮), ગાંધી વિચારો જૂનવાણી થઈ ગયા છે? (૧૯૬૯), અહિંસક પ્રતિકારની કહાણી (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી જીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્ત્િ। વિશેનાં પુસ્તકો છે. સોનાર બાંગ્લા (૧૯૭૨) અને લેનિન અને ભારત (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. વેડછીનો વડલો (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. માટીનો માનવી (૧૯૬૪ૂ) અને રવિછબી (૧૯૭૯) એમના અનુવાદો છે.

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સન્માન મળ્યાં છે...

૧૯૮૯માં તેમના પુસ્તક અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઇના જીવનવૃત્ત્।ાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૦૧માં એનાયત થયો હતો. ૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો મૂર્તીદેવી પુરસ્કાર તેમને તેમના લોકપ્રિય સર્જન 'મારું જીવન એજ મારી વાણી'માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ પ્રયાસો અને રચનાત્મક કાર્યો માટે નારાયણ દેસાઇને 'નાગરદાસ જોશી પુરસ્કાર, કોમી એખલાસ માટે 'હાર્મની એવોર્ડ', 'જમનાલાલ બજાજ પુરસ્કાર'(૧૯૯૯), યુનેસ્કોનું અહિંસા અને સહનશીલતા માટે 'મદનજીતસિંઘ પુરસ્કાર'(૧૯૯૮), અને 'ફ્રેન્ડ્સ ઓફ બાંગ્લાદેશ લિબરેશન વોર ઓનર'(૨૦૧૨) પુરસ્કારો અને સન્માન મળ્યાં હતાં.

૧૫મી માર્ચ ૨૦૧૫માં નિધન, વેડછીમાં અંતિમ સંસ્કાર

૧૦મી ડિસેમ્બર ૨૦૧૪ના રોજ તેઓ કોમામાં સરી પડ્યા હતા પરંતુ તેમાંથી સાજા થઇને તેઓ ચરખો પણ કાંતતા હતા. તેમને દૈનિક ક્રિયાઓમાં તકલીફ રહેતી હતી અને તેઓ પ્રવાહી ખોરાક પર હતા. ગાંધી વિચારના આખરી ચિરાગ પૈકીના એક નારાયણ દેસાઇ ૧૫મી માર્ચ ૨૦૧૫ના રોજ મહાવીર ટ્રોમા સેન્ટર, સુરતમાં નિધન પામ્યા હતા, તે જ દિવસે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

-: આલેખન :-

ગૌતમ

પુરોહીત

(10:45 am IST)