Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ભારતીય સૈન્યની વધુ એક સર્જિકલ સ્ટ્રાઇક

મ્યાંમારમાં ઘુસીને આતંકી અડ્ડાઓનો કચ્ચરઘાણ

આતંકવાદ વિરૂધ્ધ ભારતની લાલ આંખઃ મ્યાંમારની કાર્યવાહીથી પાકિસ્તાન અને ત્રાસવાદીના આકાઓના ટાંટીયા ઢીલાઢફ : મ્યાંમારમાં તેની આર્મી સાથે રહીને કરાયું ઓપરેશન

નવી દિલ્હી, તા., ૧૫: તાજેતરમાં  પાકિસ્તાનમાં ઘુસીને આતંકી અડ્ડાઓ અને આતંકીઓને નેસ્તનાબુદ કરી સમગ્ર વિશ્વભરમાં ખળભળાટ મચાવી દેનાર ભારતીય સૈન્યએ ફરી એક વખત પોતાની વિરતા અને હિંમતના દર્શન કરાવી મ્યાંમારમાં ઘુસી મોજુદ આતંકીઓના અનેક અડ્ડાઓનો સફાયો કરતા ત્રાસવાદી આકાઓમાં ભયનું લખલખુ ફરી વળ્યું છે. ભારતીય સૈન્યએ મ્યાંમાર આર્મી સાથે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો હતો.

ઝી ન્યુઝના અહેવાલ અનુસાર આતંકવાદ વિરૂધ્ધ આકરા પાણીએ છે અને તે નાબુદ કરવા મક્કમ ઇરાદા ધરાવે છે અને તાજેતરમાં પીઓકેમાં જૈશ એ મહમદના અડ્ડાઓ ઉપર એર સ્ટ્રાઇક કર્યા બાદ ભારતીય સેનાએ હવે મ્યાંમાર સીમા પર મોજુદ આતંકીઓના અનેક ઠેકાણાઓ નેસ્તનાબુદ કરી દીધા છે.

મ્યાંમાર સરકારે પણ ગઇકાલે બપોરે મોટા-મોટા બોંબ ગોળાઓ અને એર સ્ટ્રાઇક અરાકન આર્મી ઉપર કરી હતી. જે રાખીન સ્ટેટના પીઓંગયુંગ ટાઉનશીપ ઉપર કરવામાં આવી હતી. રાત્રે ૯.૦૦ પછી જેટ ફાઇટર વિમાનોએ બોંબ વરસાવ્યા હતા તેવું અરાકન આર્મીના પ્રવકતાએ બુધ્ધો ગામ નજીક જણાવ્યું હતું. કુલ ૧૦ બોંબ પડયા હતા. રાતભર સૈન્યની કાર્યવાહી ચાલુ રહી હતી. આ કાર્યવાહીને પગલે ગામના તમામ લોકો ભાગી ગયા હતા.

મ્યાંમાર આર્મીએ અક ડઝનથી વધુ એનએસસીએન-કેના નેતાઓને કસ્ટડીમાં લઇ લીધા છે. મ્યાંમાર આર્મીના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે અમારી ભુમી ઉપરથી ભારત વિરોધી પ્રવૃતિઓ ચાલવા નહિ દઇએ.  બર્માની ભુમી ઉપરથી પણ ભારત વિરોધી પ્રવૃતિઓ ચલાવવા નહિ દેવાય. મ્યાંમારની આર્મીએ તાગાની આસપાસ ઉલ્ફાના કેમ્પ અને મણીપુર બળવાખોર જુથો ઉપર ત્રાટકયા હતા. આમાં કેટલાક ઉલ્ફાના બળવાખોરો જેમ કે જયોર્તીર મોય અસોમ વગેરેના મોત જયા છે. એનએસસીએન-કેના સુત્રોએ જણાવ્યું હતું કે તેઓએ અમને ભારત વિરોધી બળવાખોરોને ટેકો આપવાની મનાઇ ફરમાવી છે. જો આવું નહિ કરીએ તો ઘાતક પરીણામો ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય આર્મીએ જણાવ્યું છે કે મણીપુર અને આસામના અનેક બળવાખોરો શરણે આવ્યા છે.

(3:28 pm IST)