Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ગુજરાત ચૂંટણી જંગ

૧૯૯૬માં ર૬ બેઠકો પર સૌથી વધુ ૫૭૭ ઉમેદવારો હતા

૧૯૬૨થી ૨૦૧૪ સુધીની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ૧૯૬૭માં ૬૩.૭૭ ટકા મતદાન થયું

નવી દિલ્હી તા.૧૫: દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી ૧૯૬૦માં અલગ રાજ્ય તરીકે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૯૯૬ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૨૬ બેઠકો પર સોૈથી વધુ  ૫૭૭ ઉમેદવારોએ ઉમેદવારી કરીને ચૂંટણીજંગમાં નસીબ અજમાવ્યું હતું જે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ ઉમેદવાર ધરાવતી ચૂંટણી બની ગઇ હતી. અલગ રાજ્ય બન્યાં પછી ગુજરાતમાં ૧૯૬૨માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કુલ રર બેઠકો હતી જે ૧૯૬૭માં વધીને ૨૪ થઇ અને ૧૯૭૭થી બેઠકો વધીને ૨૬ થઇ છે.

૧૯૬૭માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ૨૪ બેઠકો માટે ૮૦ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. એ સમયે ૧કરોડ ૬ લાખ ૯૨ હજાર ૯૪૮ મતદારો પૈકી ૬૮ લાખ ૧૮ હજાર ૬૮૨ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેના કારણે ૬૩.૭૭ ટકા મતદાન થયું હતું જે અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે. ત્યારબાદ સૌથી વધુ મતદાન ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૬૩.૬૬ ટકા થયું હતું.

૧૯૯૬ની લોકસભાની ચૂંંટણીમાં ભલે ગુજરાતમાં રેકોર્ડબ્રેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ આ ચૂંટણીમાં અત્યાર સુધીનું સોથી ઓછું ૩૫.૯૨ ટકા મતદાન થયું હતું.

ગુજરાતમાં ૧૯૬૨માં પહેલી વાર લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ૬૮ ઉમેદવારો ઊભા રહ્યા હતા. ત્યારબાદ ૧૯૬૭માં ૮૦, ૧૯૭૧માં ૧૧૮, ૧૯૭૭માં ૧૧૨, ૧૯૮૦માં ૧૬૯, ૧૯૮૪માં રર૯, ૧૯૮૯માં ૨૬૧, ૧૯૯૧માં ૪૨૦, ૧૯૯૬માં ૫૭૭, ૧૯૯૮માં ૧૩૯, ૧૯૯૯માં ૧૫૯,  ૨૦૦૪માં ૧૬૨, ૨૦૦૯માં ૩૫૯ અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૩૩૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

51,709

૨૩ એપ્રિલે થનારા મતદાન માટે ગુજરાત રાજ્યમાં આટલાં મતદાનમથકો ઊભા કરવામાં આવશે

(11:40 am IST)