Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જમ્મુ-કાશ્મીરની ચૂંટણીઓમાં મોટી ભાંગફોડની ફીરાકમાં પાકિસ્તાન

ભારતની એર સ્ટ્રાઇકની ભડાસ કાઢવાના મનસૂબાઃ અલ કાયદા-તાલીબાનોની મદદ લેશે? પ થી ૧૦ હજાર ભાડૂતી આતંકીઓ ભારતમાં ઘુસાડવા પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇના કારસા

જમ્મુ :.. આખા દેશની સાથે જ જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલ લોકસભા ચૂંટણીમાં પાકિસ્તાન તરફથી વ્યાપક રૂપે ગરબડો ફેલાવવાની આશંકા વ્યકત થઇ રહી છે. શંકા પ્રગટ કરનારાઓ કહેવા લાગ્યા છે કે પાકિસ્તાન ચૂંટણીમાં ગડબડ ફેલાવવા માટે અલ કાયદા અને તાલિબાનના સભ્યોની મદદ પણ લેવા માંગે છે. જયારે સેના અધિકારીઓનું કહેવુ છે કે આ વખતની  ચૂંટણી સૌથી લોહિયાળ થઇ શકે છે કેમ કે આ વખતે નુકસાન પહોંચાડવાની આતંકવાદી કોશિષો પહેલા કરતા ઘણા વધારે પ્રમાણમાં થશે કારણ કે એર સ્ટ્રાઇકની ભડાસ પાક સેના ચૂંટણીમાં કાઢવા માંગે છે.

સુત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો જમ્મુ-કાશ્મીરમાં થનાર ચૂંટણીઓમાં ખલેલ પહોંચાડવા પાકિસ્તાન તથા તેની ગુપ્તચર એજન્સી આઇએસઆઇએ પોતાના પ્રયત્નો તે જ કરી દીધા છે. આ સુત્રો અનુસાર પાકિસ્તાન પાંચ થી દસ હજાર ભાડાના વિદેશી સૈનિકોને કોઇપણ પ્રકારે જમ્મુ-કાશ્મીરમાં ઘુસાડવા તત્પર છે.

રાજય સરકારના ગૃહ વિભાગને મળેલ ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં આ શંકાઓ રજૂ કરાઇ છે. પાક એજન્ટોની ખાસ આત્મઘાતી ટૂકડીઓ ભયાનક તબાહી મચાવી શકે છે એવા સમાચારો મળ્યા પછી વીઆઇપીની સુરક્ષા વ્યવસ્થાની પુનઃ સમીક્ષા કરવામાં આવી છે અને સંભવિત ક્ષતીઓ દુર કરવાનો પ્રયાસ કરાયો છે. રાજયપાલ સહિત બીજા  વીઆઇપી નેતાઓની સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવાઇ છે.

અધિકારીઓ જણાવે છે કે આઇએસઆઇ બને તેટલા જલ્દી આ ભાડૂતી સૈનિકોને આ  બાજુ ધકેલવા માગે છે જેમાં મોટાભાગે અલ કાયદા અને તાલિબાનના સભ્યો છે. આઇએસઆઇ આ આતંકવાદીઓને કોઇ પણ રસ્તે અને કોઇપણ વેષમાં મોકલી શકે છે. તેવા સમાચાર ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાકારક છે. ગુપ્તચર સુત્રો અનુસાર ખાલી હાથે આવનાર આ આતંકવાદીઓ પોતાની કાર્યવાહી માટે એવા હથિયારો વાપરી શકે છે જે પહેલાથી જ તેમના સમર્થકો અથવા કુરીયરો દ્વારા ગોઠવી રખાયા છે. જો કે આવા હથિયારોના ભંડારની તપાસ માટે આતંકવાદીગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક તપાસ અભિયાન શરૂ કરી દેવાયું છે.

(11:39 am IST)