Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

જોન્સન એન્ડ જોન્સન બેબી પાઉડરથી કેન્સર પીડિત મહિલાને ૨.૯ કરોડ ડોલર ચુકવવા આદેશ

કેલીફોર્નિયા જયુરીએ આપ્યો ચુકાદો

ન્યૂયોર્ક તા. ૧૫ : જહોન્સન એન્ડ જહોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતે કેન્સરનો ભોગ બની હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરની ચુકવણી કરવા કંપનીને કોર્ટે ફરમાવ્યું છે.

ટેરેસા લેવિટે રજૂઆત કરી હતી કે ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકાઓ દરમિયાન તે જહોન્સન કંપનીના બેબી પાઉડર અને શાવર ટુ શાવરનો ઉપયોગ કરતી હતી અને તેને કારણે ૨૦૧૭માં મેસોથેલેમિયા કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. ઓકલેન્ડની કોર્ટે માન્યું હતું કે મહિલાને કેન્સર થવા બદલ કંપની જવાબદાર હતી. કોર્ટે માન્યું હતું કે મહિલાની બીમારી પાછળ બેબી પાઉડરની મોટી ભૂમિકા રહી હતી. જાન્યુઆરીમાં આ ખટલો શરૂ થયો હતો અને કોર્ટે હવે ચુકાદો આપ્યો છે. જહોન્સન એન્ડ જહોન્સન સામે દેશમાં આ રીતના ૧૩,૦૦૦ કેસ થઈ ચૂકયા છે.  દાવા થઈ રહ્યા છે કે બેબી પાઉડરમાં રહેલું એસ્બેસ્ટોસ શ્વાસમાં જતાં ફેફસાંને નુકસાન પહોંચાડે છે.

બ્રિટિશ લંગ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ સિલિંગ અને દીવાલ પર સ્પ્રે કરવા કે પછી ઇમારતોમાં ઇનસ્યુલેશન અને ફલોરિંગ માટે પણ એસ્બેસ્ટોસનો ઉપયોગ થતો રહે છે.  કંપનીએ દાવો કર્યો હતો કે તેનો બેબી પાઉડર સંપૂર્ણપણે સુરક્ષિત છે. કંપનીએ જણાવ્યું હતું કે ઓકલેન્ડ કોર્ટના ચુકાદા સામે તે અપીલ કરશે.

(11:37 am IST)