Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

પુણેમાં આઈસીયુમાં ટ્યુમરની મહિલા દર્દીની સારવાર માટે ડોકટરે તાંત્રિકને બોલાવ્યો: દર્દીનું મોત:પગલાં લેવા માંગ

છાતીમાં ટ્યુમરની સર્જરી કર્યા બાદ તબિયત બગડતા બીજી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડાઇ હતી

 

નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણેની એક હોસ્પિટલમાં આઈસીયુમાં ટ્યુમરની મહિલા દર્દીની સારવાર માટે ડોકટરે ખુદ તાંત્રિકને બોલાવતા ચકચાર મચી જવા પામી છે જોકે સમયસર સારવારના અભાવે મહિલા દર્દીનું મોત નિપજતા તેણીના પરિવારજનોએ તબીબ સામે પગલાં લેવા માંગ કરી છે અને અંગે પોલીસમાં ફરીયાદ કરાઈ છે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં ડોક્ટર આઇસીયૂમાં તાંત્રિક પાસે સારવાર કરવાતો સ્પષ્ટ નજરે પડે છે

 

  મળતી જાણકારી અનુસાર 24 વર્ષીય સંધ્યા સોનવણેની છાતીમાં ટ્યૂમર હતું. તેની સારવાર માટે તેને પુણેના સ્વારગેટ વિસ્તારમાં સ્થિત ડો. સતીશ ચૌહાણની હોસ્પિટલમાં લઇ જવામાં આવી. જ્યાં સંધ્યાની સર્જરી કરવામાં આવી. ઓપરેશનને સફળ ગણાવવામાં આવ્યું, પરંતુ થોડા કલાકો બાદ સંધ્યાની તબિયત બગડવા લાગી. તેના પર ડોક્ટર સતીને સંધ્યાને દીનાનાથ મંગેશકર હોસ્પિટલ લઇ જવાની વાત કહી

  સંધ્યાને 21 ફેબ્રુઆરી દીનાનાથ મંગેશકર હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં તેને સીધી આઇસીયૂમાં દાખલ કરવામાં આવી. આઇસીયૂ સ્પેશિયલ રૂમમાં સંધ્યાની સ્થિતિ પર સતત 24 કલાક નજર રાખવામાં આવી રહી હતી. પરિવારનો આરોપ છે કે સંધ્યા જ્યારે ભાનમાં આવી ત્યારે ડોક્ટર ખુદ ગાયબ હતા. તેમણે જ્યારે કોલ કર્યો તો ડોક્ટરે કહ્યું કે તે પૂજા-પાઠ કરી રહ્યાં છે જેથી દર્દીની હાલતમાં સુધારો થાય.

  સંધ્યાને જ્યારે ભાન આવ્યું તો ડોક્ટરને માહિતગાર કરવામાં આવ્યા. ડો. સતીશ દીનાનાથ મંગેશકર હોસ્પિટલ પહોંચ્યા, દરમિયાન તેમની સાથે એક જીંસ-ટીશર્ટ પહેરેલો એક વ્યક્તિ પણ હતો, જે એક તાંત્રિક હતો. આઇસીયૂમાં આવ્યા બાદ ડોક્ટર સંધ્યાના બેડની એક તરફ ઉભા રહ્યા અને તાંત્રિકે પૂજા સામગ્રી કાઢવાનું શરૂ કરી દીધું. આઇસીયૂમાં ડોક્ટર સતીશ સારવાર કરવાના બદલે તાંત્રિક પાસે પૂજા કરાવવા લાગ્યો. ડોક્ટરનું કહેવું હતું કે સંધ્યાની હાલતમાં સુધારો લાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. પૂજા થયા બાદ તાંત્રિક સાથે ડોક્ટર પણ જતા રહ્યા. બીજા દિવસે સંધ્યાની હાલત વધુ બગડી ગઇ અને તેનું મોત નિપજ્યું

પીડિત પરિવારે મામલે કાર્યવાહી માટે એનજીઓની મદદ લીધી. ઘટનાના વીડિયોના આધારે ડોક્ટર સતીશ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. આરોપી ડોક્ટરે બચવા માટે પીડિત પરિવાર અને એનજીઓને પૈસા આપવાનો પ્રયત્ન કર્યો

તો બીજી તરફ હોસ્પિટલના વહિવટીતંત્રનું કહેવું છે કે તે જાદૂ ટોણા અને તાંત્રિક બાબાને પ્રોત્સાહન આપતા નથી. હોસ્પિટલમાં આમ થવું આશ્વર્યની વાત છે. મામલે તપાસના આદેશ આપ્યા છે. દોષી જણાતાં હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર અને મેનેજમેંટ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે

(12:00 am IST)