Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

બેંક કૌભાંડો રોકવા લાચારઃ વધુ સત્તા આપોઃ ઊર્જિત પટેલ

કેટલાક વેપારીઓએ બેંક કર્મચારીઓ સાથે મળી જઇને દેશનું ભવિષ્ય લૂંટયુ છે

નવી દિલ્હી તા. ૧૫ : રિઝર્વ બેંકના રાજ્યપાલ ઊર્જિત પટેલે બેંક સાથે થયેલી છેતરપિંડી મામલે જણાવ્યું હતું કે, સિસ્ટમ સાફ કરવા માટે ઝેર પીને નિલકંઠ બનવા તૈયાર છે. રિઝર્વ બેંક અને દરેક કસોટી સાથે એમાં સુધારો થશે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાંની નિયામક યંત્રણા કૌભાંડીઓ માટે ડરરૂપ નથી તેથી દેશમાં બેંકીંગ ક્ષેત્રમાંની છેતરપિંડી રોકવા માટે વધુ સત્તાની જરૂર છે. પીએનબી સાથે થયેલી રૂ. ૧૨,૯૬૭ કરોડની છેતરપિંડી મામલે મૌન તોડતા પટેલે જણાવ્યું હતું કે, આજે મેં એ કહેવા માટે મૌન તોડયું છે કે બેંકીંગ સેકટરમાં ચાલી રહેલી છેતરપિંડી અને ગેરરીતિ બદલ અમે રિઝર્વ બેંકમાં અમે પણ ગુસ્સો, દુઃખ અને નીચાજોણાની લાગણી અનુભવી છીએ.

ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં લેકચર આપતી વખતે પટેલે જણાવ્યું હતું કે, સાદી સરળ ભાષામાં કહું તો આ રીતે કેટલાક વેપારીઓએ બેંક કર્મચારીઓ સાથે મળીને દેશનું ભવિષ્ય લૂંટયું ગણાય. રિઝર્વ બેંક પાસે બેંકોની સમીક્ષા કરવાના સાધનો છે અને અમે આવી છેતરપિંડી રોકવા માટે શકયતઃ બધુ જ કરીએ છીએ.

પટેલે પૌરાણિક દાખલા ટાંકતા જણાવ્યું હતું કે, દેશની ક્રેડિટ સિસ્ટમને સાફ કરવા માટે સમુદ્ર મંથન વખતે મંદાર પર્વતનો ઉપયોગ જે રીતે થયો હતો, એ રીતે આધુનિક કાળમાં ભારતીય અર્થતંત્રમાં રિઝર્વ બેંકે કાર કરવાનું બીડું ઝડપ્યું છે.

જ્યાં સુધી મંથનનું કાર્ય પૂર્ણ ન થાય અને દેશના ભવિષ્ય માટે સ્થિરતાનું અમૃત સુરક્ષિત રીતે ન કાઢી લેવાય, ત્યાર સુધી ત્યારે એ સાથે નીકળતું ઝેર કોઇએ તો પીવું જ પડશે. જો આ કાર્યમાં અમારે એ ઝેર પીને નીલકંઠ બનવું પડશે, તો અમારૃં કર્તવ્ય સમજીને અમે એ પીશું. આ રસ્તે ચાલતા દરેક કસોટી બાદ અમે વધુ સારી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીશું. એમણે એવી ઇચ્છા પણ વ્યકત કરી હતી કે આ અમૃત મંથનના કાર્યમાં વધુમાં વધુ પ્રમોટરો અને બેંકો વ્યકિતગત અથવા તો સામુહિક રીતે અસુરોને બદલે દેવોની સાથે રહેવાનું પસંદ કરશે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સફળતાના ઘણા બાપો હોય છે, પણ નિષ્ફળતાનો એકેય નથી હોતો. ચારે તરફથી રીઝર્વ બેંક પર માછલા ધોવાઇ રહ્યા છે કે એણે આ છેતરપિંડી પકડી પાડવી જોઇતી હતી, પણ નિયામક માટે એ શકય નથી. રિઝર્વ બેંક દરેક બેંકના દરેક ખૂણે થઇ રહેલી ગેરરીતિ પકડી ન શકે. આવું ન થાય એ માટે રિઝર્વ બેંકે ૨૦૧૬માં સ્પષ્ટ નિર્દેશો આપ્યા હતા, પણ બેંકે એ અમલમાં ન મૂકયા અને આ માટે દોષી બેંકો સામે પગલા લેવામાં આવશે, પણ જાહેર ક્ષેત્રોની બેંકો માટે બેન્કીંગ રેગ્યુલેશન્સ એકટ મર્યાદિત છે.(૨૧.૧૬)

(11:32 am IST)