Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કોરોના કાળમાં દાખલ કરેલ લાખો કેસો પાછો ખેંચાશે

હવે ઠેઠ ખબર પડી હશે ?! યુપી સરકાર માને છે કે કોવિડ કેસોથી સામાન્ય પ્રજાને વિનાકારણ હેરાનગતિ થશે : હજારો વેપારીઓને રાહત આપ્યા પછી સામાન્ય પ્રજાને રાહત આપતી યુ.પી. સરકાર : આવો નિર્ણય લેનાર પ્રથા રાજ્ય બન્યું : અન્ય રાજ્ય સરકારો પણ અનુસરે તેવી સંભાવના : ૩૨૩ તબ્લીગી જમાતિયોને પણ રાહત અપાઇ

લખનૌ તા. ૧૫ : લોકડાઉન દરમિયાન લોકડાઉન નિયમોના ઉલ્લંઘન માટે યોગી આદિત્યનાથ સરકારે લગભગ ૨ાા લાખ લોકો વિરૂધ્ધ કરેલા કેસો પાછા ખેંચી લેવાનું નક્કી કર્યું છે. લોકોને રાહત ઉપરાંત સરકારનો મોટો સમય અને કરોડોનો ખર્ચ બચી જશે. આ ઉપરાંત તબ્લીગી જમાતિયો વિરૂધ્ધ ૧૮૮ હેઠળ દાખલ કરેલ ૩૨૩ કેસો પણ પાછા ખેંચી લેવા હુકમો થયાની જાહેરાત થઇ છે.

યોગી સરકાર માને છે કે મામૂલી ભૂલને કારણે સામાન્ય લોકો ઉપર આઇપીસી કલમ ૧૮૮ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ. આ કેસોને આગળ ચલાવવાનો હવે કોઇ અર્થ નથી.

આમ ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે જેણે લોકડાઉન દરમિયાન કરેલ કેસો પાછા ખેંચી લીધા છે.

કોરોના સંક્રમણ અંગે ગયા માર્ચ મહિનામાં આગ્રામાં પ્રથમ કેસ બહાર આવેલ જેના માટે એક નવપરણિત યુવતિને જવાબદાર ઠેરવેલ. તેના વિરૂધ્ધ એફ.આઇ.આર. પણ દાખલ કરેલ. આ ઉ.પ્ર.નો કોરોના સંદર્ભે પ્રથમ કેસ હતો.

આ પછી સોશ્યલ ડિસ્ટન્સીંગ, માસ્ક નહિ પહેરવા, જાહેર સ્થળોએ થૂંકવા વિગેરે નિયમોના ભંગ માટે ૧૮૮ હેઠળ અનેક ગુન્હા દાખલ થયેલ.

હજી હમણાં જ યુપી સરકારે લોકડાઉન દરમિયાન હજારો વેપારીઓ વિરૂધ્ધ દાખલ કરાયેલ કેસો પાછા ખેંચવા જાહેરાત કરી હતી.

હવે સામાન્ય નાગરિકો ઉપર દાખલ કરેલ લોકડાઉન ભંગના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી દેશનું આવી જાહેરાત કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

યુ.પી.ની યોગી સરકાર હવે માને છે કે કોરોનાને લગતા કેસોથી સામાન્ય પ્રજાને વિનાકારણ પરેશાની ઉઠાવવી પડશે.

યોગી સરકારના પગલે દેશના અન્ય ભાગોની રાજ્ય સરકારો પણ આવા પગલા ભરે તેવી શકયતા છે.

(10:16 am IST)